Home Gujarati લૉકડાઉન પછી રિવર્સ માઇગ્રેશનથી ગામડાંઓમાં ઉચાટ, ઘણાં ગામડાંમાં સીસીટીવી કૅમેરાથી તકેદારી રખાઈ...

લૉકડાઉન પછી રિવર્સ માઇગ્રેશનથી ગામડાંઓમાં ઉચાટ, ઘણાં ગામડાંમાં સીસીટીવી કૅમેરાથી તકેદારી રખાઈ રહી છે

89
0

હર્ષદ પટેલ, મહેસાણાઃ કોરોનાની વૈશ્વિક મહામારી બાદ દેશભરમાં લોકડાઉન કરાતાં રિવર્સ માઇગ્રેશન એટલે કે શહેરોથી ગામડાઓ તરફ લોકોનું પ્રયાણ વધ્યું છે. હાલ મુંબઇ, સુરત, અમદાવાદ, દિલ્હી, વડોદરા સહિતના શહેરોમાંથી અનેક પરિવારો ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં વતન પરત આવી રહ્યા છે. જેને લઇ ગામડાઓમાં પણ ઉચાટ વધ્યો છે. જોકે, કોરોના સંક્રમણનું જોખમ હોઇ ગામડાં પણ પોતપોતાની રીતે સજાગ બન્યાં છે. એક ગામ તો શહેરમાંથી ગામમાં આવેલા લોકોની તકેદારી રાખવા સીસીટીવી કેમેરાથી નજર રાખી રહ્યું છે.

રોજ સીસીટીવી ચેક કરવામાં આવે છે
વાત છે શંખલપુર ગામની. આ ગામમાં સુરત, દિલ્હી સહિતનાં શહેરમાંથી 55 લોકો આવ્યા છે અને તે હાલ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ છે. ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ કહે છે કે, બહારથી આવેલી દરેક વ્યક્તિની નોંધણી ગ્રામ પંચાયતમાં ફરજિયાત કરી આરોગ્ય વિભાગને જાણ કરીને અને હેલ્થ ચેકિંગ બાદ જ ગામમાં પ્રવેશ અપાય છે. બહારથી આવેલા લોકો 14 દિવસ સુધી ઘરની બહાર ફરે નહીં તે માટે દરેક મહોલ્લામાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા ખાસ તકેદારી રાખીએ છીએ. રોજ ફૂટેજનું નિરીક્ષણ કરાય છે. સૂચનાનો ભંગ કરે તો પંચાયત દ્વારા ફોજદારી કાર્યવાહી સુધીનાં પગલાં લઇશું.

5 હોમ ક્વોરન્ટાઈનને ગ્રામ પંચાયત ભોજન પહોંચાડે છે
ગામમાં 5 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે. તેઓ ઘરની બહાર ન નીકળે તે માટે તેમના ઘરે જ ગ્રામ પંચાયત દ્વારા ભોજન પહોંચાડાય છે. બાજુનું કાલરી ગામ સજાગ છે. ગામના 40થી 50 દેવીપૂજકો જે દિલ્હીથી ગામમાં આવતાં આરોગ્ય વિભાગના હેલ્થ ચેકિંગ બાદ જ ગામમાં પ્રવેશ અપાયો હતો. – દેવાંગ પંડ્યા, સરપંચ, બહુચરાજી ગ્રામ પંચાયત.

શહેરથી 853 લોકો આવ્યા, તમામની આરોગ્ય ચકાસણી
તાલુકામાં વિદેશના 23, અન્ય રાજ્યના 47 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, આ સિવાય અમદાવાદ, સુરત, દિલ્હીથી આવેલા 853 લોકો નોંધાયા છે. બધાની આરોગ્ય ચકાસણી કરાય છે. શહેરોમાંથી આવેલા લોકોને ઘરમાં રહેવાની સૂચના અપાઇ છે. અત્યાર સુધી તાલુકામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. – ડો. સુહાગ શ્રીમાળી, આરોગ્ય અધિકારી, બહુચરાજી તાલુકા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કેમેરા લગાવી ક્વોરેન્ટાઇન કરેલા પરિવારો પર સતત નજર રાખવામાં આવે છે