Home Gujarati મિરજાપરમાં મફત અનાજ વિતરણમાં ‘જ્ઞાતિવાદ’થી વિવાદ

મિરજાપરમાં મફત અનાજ વિતરણમાં ‘જ્ઞાતિવાદ’થી વિવાદ

103
0

કચ્છમાં તા.13/4થી એ.પી.એલ.-1 કાર્ડ ધારકો માટે મફત રાશન આપવાની પ્રક્રિયા ચાલુ થશે જેને અનુલક્ષીને ભુજ તાલુકાના મિરજાપરમાં જ્ઞાતિવાર વ્યવસ્થા ગોઠવવામાં આવતા સોશ્યલ મીડિયા પર પંચાયતની ટીકા થઇ રહી છે.
સોમવારથી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં એ.પી.એલ.-1 કાર્ડ ધારકોને મફત રાશન આપવામાં આવશે. કોરોનાના પગલે ભીડ ઓછી થાય તે માટેની વ્યવસ્થામાં મિરજાપરમાં ‘જ્ઞાતિવાદી’ વલણ બહાર આવ્યું છે. વ્યવસ્થા અંગે ગ્રામપંચાયતના વહેતા થયેલા લેટરપેડ મુજબ તા.13થી 15 એપ્રિલ દરમ્યાન પટેલ જ્ઞાતિ સિવાયના લોકોએ તેમજ તા.16 અને 17 એપ્રિલના ફક્ત પટેલ જ્ઞાતિના જ રાશન કાર્ડ ધારકોએ ગામની મિરજાપર કન્યા શાળા ખાતેથી રાશન મેળવી લેવાનું રહેશે. ગામમાં પટેલ સમાજની 50 ટકા તથા અન્યમાં સુથાર, દરજી, મુસ્લિમ, ક્ષત્રિય અને દલિત સમાજના લોકો રહે છે. ‘જ્ઞાતિવાદી’ આ વ્યવસ્થા ગામમાં તો ટીકાપાત્ર બની છે પરંતુ ગ્રામપંચાયતનો આ લેટરપેડ સોશ્યલ મીડિયામાં પણ વહેતો થતાં આ વ્યવસ્થા ટીકાપાત્ર બની હતી અને લોકોએ એવા પણ સૂચનો કર્યા હતા કે, જે-તે વિસ્તાર મુજબ પણ વ્યવસ્થા થઇ શકતી હતી.

અમારો આવો કોઇ ભાવ ન હતો : સરપંચ પતિ
આ અંગે મિરજાપરના સરપંચ પતિ વિનોદભાઇ વરસાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અમારાથી ભૂલ થઇ છે પરંતુ આ વ્યવસ્થામાં અમારો જ્ઞાતિવાદી ઇરાદો ન હતો અને વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે થાય તે માટેનો મુખ્ય ઉદેશ્ય હતો. હું રાજકારણમાં નવો છું તેવામાં સારું કરવા જતાં અમારા વિરોધી રાજકીય તત્વો આ વ્યવસ્થાને ખોટા અર્થમાં લઇને તેનો ગેરલાભ લઇ રહ્યા છે.

ભીડ નિવારવા માટે સુચારુ વ્યવસ્થા
મિરજાપરના સરપંચ પતિએ જણાવ્યું હતું કે, હાલે ગામમાં એ.પી.એલ. કાર્ડ ધારકો 1200 જેટલા છે, જેથી રાશન લેવા આવતા લોકોથી ભીડ ન થાય તે માટે 1.5 મીટરના અંતરે ખુરશી મૂકવામાં આવી છે. સવારે 8 વાગ્યે ટોકન આપવામાં આવશે, જે મુજબ 1થી 100 ટોકન નંબર વાળા સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી અને 101થી 200 ટોકન નંબર વાળા લોકો બપોરે 3થી 7 વાગ્યા સુધી રાશન મેળવી શકશે. રાશન લેવા માટે રાશન કાર્ડ અન્વયેને કોઇ એક જ વ્યક્તિ આવે તે માટેની સુચના પણ ગ્રામજનોને અપાઇ ગઇ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ભીડ નિવારવા માટે સુચારુ વ્યવસ્થા