Home Gujarati માધાપરના પોઝિટિવ કેસનું પગરૂં NRI અને ધ્રોલ સુધી દબાવાયું

માધાપરના પોઝિટિવ કેસનું પગરૂં NRI અને ધ્રોલ સુધી દબાવાયું

123
0

કચ્છમાં કોરોના વાયરસ શિકાર ચાર વ્યક્તિ બન્યા છે, જેમાં લખપત તાલુકાના આશાલડીની પ્રૌઢા હજ કરવા ગઈ હતી અને સાઉદી અરેબિયાથી ચેપગસ્ત હતી એટલે ટ્રાવેલ હિસ્ટ્રીનો કેસ સ્પષ્ટ થયો હતો. પરંતુ, માધાપરના 62 વર્ષીય વૃદ્ધ અને તેની પત્ની ઉપરાંત પુત્રવધૂને કોરોના વાયરસે કેમ શિકાર બનાવ્યા એની મથામણમાં અંતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે રવિવારે એન.આર.આઈ. અને જામનગરના ધ્રોલ તરફ પગેરૂં દબાવ્યું છે. જો એ બંને દિશાએથી નેગેટિવ રિપોર્ટ આવશે તો પછી એક માત્ર શક્યતા મુંબઈની વ્યક્તિના સંપર્કની રહેશે. પરંતુ, મુંબઈની વ્યક્તિ હજુ હાથ નથી આવી એટલે માધાપરના પરિવારને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો એ સ્પષ્ટ નથી થતું.

મૂળ કચ્છના અને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત સામાજિક વ્યવસ્થાથી વાકેફ સીડીએચઓ ડો. કન્નરે રવિવારે પટેલ ચોવીસીના ગામોમાં વસતા બિનનિવાસી ભારતીયોમાંથી 25 સેમ્પલ મેળવ્યા છે. જેનો નેગેટિવ રિપોર્ટ આવશે તો એન. આર. આઈ.માંથી ચેપ લાગ્યાની શક્યતા ઘટી જશે. બીજી બાજુ માધાપરના એક જ પરિવારના કોરોનાના શિકારમાંથી પુત્રવધૂ 16 માર્ચના જામનગર જિલ્લાના ધ્રોલથી ભુજ પટેલ ટ્રાવેલ્સ મારફતે આવી હતી, જેથી ધ્રોલમાં તેના સંપર્કમાં આવેલા માવતર પક્ષના પણ જામનગરમાં સેમ્પલ લઈ લેવાયા છે. જો એ લોકોમાંથી પણ કોઈને પોઝિટિવ નહીં જણાય તો પછી એકમાત્ર મુંબઈની વ્યક્તિ રહેશે. જે 62 વર્ષીય વૃદ્ધના સંપર્કમાં આવી હતી.

પરંતુ, કમનસીબે એ વ્યક્તિ હાથ નથી આવતી. અલબત્ત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરે વ્યૂહ ગોઠવી લીધો છે અને એને પણ ટ્રેક કરી લેવાશે. જોકે, એ બાબતે વધુ વિગત માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરથી સંપર્ક સંભવ બન્યો ન હતો. કેમ કે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોઈએ તેમને પત્રકારોને વિગતો આપવાની મનાઈ ફરમાવી દીધી હોવાના હેવાલ છે. એવું સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું. જે હોય તે પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરની કાબેલિયત દાદ માંગી લે તેવી છે. એમાં બેમત નથી.

માધાપર કેસમાં વધુ 23 સેમ્પલ નેગેટિવ: આશાલડીના પ્રૌઢાના રિપોર્ટ પેન્ડિંગથી તર્ક વિતર્ક

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીએ શનિવારે માધાપરના કોરોનાના શિકાર એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના સંપર્કમાં આવનારી 23 વ્યક્તિના સેમ્પલ મેળવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને એ ઉપરાંત લખપતના આશાલડીની પ્રૌઢાનો વધુ એક સેમ્પલ મેળવી પરિક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. જે પેંડિંગ રખાયો છે એવું માધ્યમોને જણાવતા આર.સી.એચ.ઓ. શ્રીમાળીએ વધુમાં ઉમેર્યું હતું કે, રવિવારે નવો કોઈ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી.

ગઈકાલે 24 સેમ્પલ,બધા નેગેટિવ
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી કોરોના સંબંધી રોજેરોજની માહિતીથી વાકેફ કરવા રવિવારે પણ માધ્યમો સાથે બેઠક યોજી હતી. પરંતુ, તેઓ હાજર રહ્યા ન હતા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરને પણ હાજર રાખ્યા ન હતા. માત્ર બાળ અને મહિલા રોગ શાખાના આર.સી.એચ.ઓ.ને પ્રવક્તા તરીકે બેસાડી દીધા હતા. જેમને દિવ્ય ભાસ્કરે પૂછ્યું કે, ગઈકાલે લીધેલા સેમ્પલનો રિપોર્ટ શું છે તો તેઓએ કહ્યું બધા નેગેટિવ છે, જેથી ચોખવટ કરવા ફરી પૂછ્યું કે, ગઈકાલે 24 સેમ્પલ હતા. બધા નેગેટિવ છે. તો તેમણે કહ્યું હા, બધા નેગેટિવ છે. એટલે વધુ ચોખવટ કરવા પૂછ્યું કે, 23 સેમ્પલ માધાપરના પોઝિટિવ કેસ સંબંધી હતા અને 1 સેમ્પલ લખપત તાલુકાના આશાલડીના પ્રૌઢાનો હતો. શું એ પણ નેગેટિવ છે? તો તેમણે કહ્યું કે, ના, એ પેંડિંગ છે.

NRI સેમ્પલથી વાકેફ ન હતા
પ્રવક્તા આર. સી. એચ. ઓ.ને પૂછ્યું કે, રવિવારે કેટલા સેમ્પલ લેવાયા તો તેમણે કહ્યું એ અપડેટ હવે આવશે. તેમને જ્યારે વધુમાં પૂછ્યું કે, પટેલ ચોવીસીના એન. આર. આઈ.ના સેમ્પલ લેવાનો કોઈ આયોજન છે. તો તેમણે કહ્યું કે, ના, એવો કોઈ ખાસ આયોજન નથી. જોકે, તેમની વાતથી વિરૂધ્ધ તરત જ ડો. પુજારા કહ્યું હતું કે, હા, એ દિશામાં આજે કામ થયું છે.
ભુજમાં બે દિવસમાં પરીક્ષણ લેબોરેટરી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ વારંવાર કોલ કાપ્યા બાદ એક કોલ રિસીવ કર્યો પણ તેમણે માહિતી આપવાનો નનૈયો ભણતા કહ્યું કે, ઉપલી કચેરીનો સંપર્ક કરો પણ પછી વારંવાર પૂછતાછ તેમણે કહ્યું હતું કે, હા, ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના સેમ્પલના પરીક્ષણની લેબ બે ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે. એ માટે વીડિયો કોન્ફરન્સથી વાત થયા બાદ કાર્યવાહી ચાલુંમાં છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર