Home Gujarati ચીનથી ખફા અમેરિકન-જાપાન સરકારનો ગુજરાત સરકારે સંપર્ક કર્યો, ચીનમાંથી રોકાણ ગુજરાતમાં ખસેડવા...

ચીનથી ખફા અમેરિકન-જાપાન સરકારનો ગુજરાત સરકારે સંપર્ક કર્યો, ચીનમાંથી રોકાણ ગુજરાતમાં ખસેડવા આમંત્રણ આપ્યું

126
0

ચીનના વુહાનથી લઇને હવે જ્યારે આખા વિશ્વમાં કોરોના વાઇરસ પ્રસરી ગયો છે અને અમેરિકામાં પણ તેના ખૂબ ખરાબ પરિણામ મળ્યાં છે, ત્યારે અમેરિકન અને જાપાનીસ સરકાર કોરોના વાઇરસના વૈશ્વિક પ્રસાર માટે ચીનને જવાબદાર ગણી રહી છે. આ જ કારણોસર આ બન્ને સરકારોએ પોતાના ઉદ્યોગકારોને ચીનમાંથી રોકાણ ખસેડી લેવાની સૂચના આપી છે. આ તકનો લાભ લઇને ગુજરાત સરકારે અમેરિકા અને જાપાનની સરકારો તથા કંપનીઓનો સંપર્ક કરવાનું શરુ કર્યું છે. ગુજરાત સરકારે રાજ્યમાં રહેલી રોકાણની તકો ઉપરાંત ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કર પ્રણાલી અને અન્ય સુવિધાઓની બાંહેધરી આપી, આ કંપનીઓને ચીનમાંથી રોકાણ ખસેડી દક્ષિણ એશિયાઇ પ્રદેશમાં ભારત અને તેમાંય ગુજરાત શ્રેષ્ઠ સ્થળ રહેશે તેવી સમજ આપતાં પ્રેઝન્ટેશન અને પત્રો મોકલ્યાં છે.

20 કરોડ ડોલરના પેકેજની જાહેરાત કરી
ચીન અને અમેરિકા વચ્ચે ચાલતાં ટ્રેડવોરને લઇને જ ગુજરાત સરકારે આ પ્રયત્નો શરૂ કર્યાં હતાં, પણ હવે તેમાં વેગ મળ્યો છે. અત્યાર સુધી ટ્રેડ વોર છતાં અમેરિકન કંપનીઓ અન્ય પ્રતિસ્પર્ધીઓના ડરે ખસી રહી નહોતી, પરંતુ હવે તેઓ અહીંથી ખસીને કે આંશિક રીતે પોતાનું રોકાણ અન્ય દેશમાં વાળીને પોતાની હાજરી અથવા નિર્ભરતા ચીન પરથી ઓછી કરી શકે છે અને તે માટે જ ગુજરાત સરકારે આ પ્રયત્નો શરૂ કરી દીધાં છે. જાપાને તો ચીનમાંથી પોતાના રોકાણકારોને અન્ય દેશોમાં પોતાનું રોકાણ ખસેડવા માટે 20 કરોડ ડોલરના પેકેજની જાહેરાત પણ કરી દીધી છે, જ્યારે જાપાનમાં ખસેડવા માટે 200 કરોડ ડોલરની સહાય નક્કી કરી છે. ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશ્નર તરફથી અમેરિકા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, જાપાનની જાઇકા ઉપરાંત સરકારના પ્રતિનિધીઓ અને ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધીઓને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં આમંત્રણ પાઠવવાની સાથે આ સંદેશ પહોંચાડતો પત્ર વ્યવહાર કરાયો છે.

એપલ, HP, ગૂગલ સિહતની કંપની આવી શકે છે
અમેરિકાની એપલ, હ્યુલેટ પેકોર્ડ, ગૂગલથી માંડીને ઘણી બધી સોફ્ટવેર અને હાર્ડવેર કંપની ઉપરાંત નાઇકી, એડિડાસ, એબરક્રોમ્બી એન્ડ ફિચ કાર્ટર્સ ઉપરાંત હેસ્બ્રો જેવી રમકડાં બનાવનારી કંપની ઉપરાંત જાપાનની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેંકિંગ એન્ડ ફાઇનાન્સ, ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ ક્ષેત્રમાં કામ કરનારી કંપનીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ કંપનીઓ પોતાના પ્રોડક્શન ગુજરાતમાં કરે તેવી ધારણા છે.

PMO પણ સહાય કરશે
મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત PMO તરફથી ગુજરાતને સહકાર મળી રહેશે. ગુજરાતને જે-તે દેશના રાજદ્વારી ઉપરાંત વાણિજ્યિક મંત્રાલયના અને ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધીઓનો સંપર્ક કરાવી આપવામાં મદદ મળશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર