Home Gujarati કોરોના વાઈરસ માટે તૈયાર કરાયેલી હોસ્પિટલની ભરતીમાં 325ની જગ્યા સામે માત્ર 28...

કોરોના વાઈરસ માટે તૈયાર કરાયેલી હોસ્પિટલની ભરતીમાં 325ની જગ્યા સામે માત્ર 28 અરજીઓ આવી

83
0


જીતુ પંડ્યા વડોદરા: કોરોના વાઈરસ માટે જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ગોત્રી ખાતે 250 બેડની હોસ્પિટલ શરૂ થવા જઇ રહી છે. તે માટે કરાર આધારીત સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો સહિત સ્ટાફની ભરતી કરવામાં આવનાર છે. આ ભરતી માટે 325 જગ્યાઓની સામે બે સ્પેશ્યાલિસ્ટ તબીબો, એમ.બી.બી.એસ. માટે 12 અને સ્ટાફ નર્સ માટે 14 જ રજિસ્ટ્રેશન થયા છે.
હોસ્પિટલમાં કરાર આધારીત સ્ટાફ માટે કલેક્ટર દ્વારા જાહેરાત અપાઇ
ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. વિશાલાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, COVID-19 અંતર્ગત ગોત્રી જનરલ હોસ્પિટલમાં 250 બેડની હોસ્પિટલ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આગામી ટૂંક સમયમાં શરૂ થનારી આ હોસ્પિટલમાં કરાર આધારીત સ્ટાફ માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. જેમાં સ્પેશ્યાલિસ્ટ પ્લુમોલોજિસ્ટ ફિઝિશ્યન-10, સ્પેશ્યાલિસ્ટ એનેસ્થેટીસ્ટ-5, મેડિકલ ઓફિસર (એમ.બી.બી.એસ.)-60 અને સ્ટાફ નર્સ-250 મળીને કુલ 325 સ્ટાફની ભરતી કરવાની છે.
સ્ટાફ નર્સનો ફિક્સ પગાર રૂપિયા 13,000 રૂપિયા છે
વધુમાં તેઓએ જણાવ્યું કે, એન.એચ.એમ. અંતર્ગત કરાર આધારિત આ ભરતીમાં સ્પેશ્યાલિસ્ટ પ્લુમોલોજિસ્ટનો ફિક્સ માસિક પગાર રૂપિયા 1,20,000, સ્પેશ્યાલિસ્ટ એનેસ્થેટીસ્ટનો ફિક્સ માસિક પગાર રૂપિયા 1,20,000, મેડિકલ ઓફિસર માટે ફિક્સ પગાર રૂપિયા 60,000 અને સ્ટાફ નર્સનો ફિક્સ પગાર રૂપિયા 13,000 આપવામાં આવનાર છે.
ભરતીમાં 325 જગ્યા સામે માત્ર 28 અરજીઓ આવી
સુપ્રિટેન્ડેન્ટે વધુમાં જણાવ્યું હતુ કે, કોરોના વાઇરસ માટે શરૂ થનાર આ હોસ્પિટલ માટે કરવામાં આવનાર ભરતી માટે 27 માર્ચના રોજ સવારે 9થી 11 રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. પરંતુ, સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો માટે એક-એક અરજી આવી છે. એમ.બી.બી.એસ.ની 12 અરજીઓ અને સ્ટાફ નર્સ માટે 14 રજિસ્ટ્રેશન થયા છે. જો હોસ્પિટલ માટે પુરતો સ્ટાફ નહીં મળે તો અન્ય સરકારી હોસ્પિટલ અથવા પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી સ્ટાફ લેવામાં આવશે.
જીવનું જોખમ અને ઓછો પગાર હોવાથી તૈયાર નથી
ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા વૈભવીબહેને જણાવ્યું હતું કે, અત્યારે હું ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અહીં મારો પગાર રૂપિયા 25,000 છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં કોરોના માટેની હોસ્પિટલમાં કરાર આધારિત પગાર રૂપિયા 13 હજાર છે. જીવનું જોખમ અને ઓછો પગાર હોય, તો કોણ જશે.
નોકરી અને પ્રેક્ટિસમાં એક લાખ રૂપિયા મળે છે, તો કરાર આધારિત નોકરીમાં કોણ જશે
એમ.બી.બી.એસ. થયેલા ડો. સૌરભે જણાવ્યું હતું કે, હું અત્યારે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરું છું. જ્યાં મારો સારો પગાર છે. અને પ્રાઇવેટ મારું ક્લિનિક પણ ચલાવું છું. બંને થઇને મને માસિક રૂપિયા 1 લાખ જેવું મળી જાય છે, ત્યારે કરાર આધારીત નોકરી કરવા કોણ જશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગોત્રી જનરલ હોસ્પિટલ, વડોદરા