Home Gujarati કોડીનારના વિઠ્ઠલપુર ગામના ગેટમાં જ સેનિટાઇઝર મશીન મુક્યું , ખેડૂતો વાડીએ કે...

કોડીનારના વિઠ્ઠલપુર ગામના ગેટમાં જ સેનિટાઇઝર મશીન મુક્યું , ખેડૂતો વાડીએ કે ઘરે આવે ત્યારે સેનિટાઇઝ થાય છે

114
0

કોરોનાની મહામારીને લઇને શહેરો કરતા ગામડાઓ સાવચેત બન્યા છે. આવું જ એક કોડીનાર તાલુકાનું ગામ વિઠ્ઠલપુર છે કે જ્યાં લોકો સાવચેત બન્યા છે.વિઠ્ઠલપુર ગ્રામપંચાયત દ્વારા કોરોના વાઇરસ સામે ગામની સુરક્ષાને લઇ સેનીટાઈઝર મશીન ગેટની વચોવચ્ચ મુકવામાં આવ્યું છે. ગામના લોકોને આ મશીનમાંથી પસાર કરી સેનિટાઈઝ કરવામાં આવે છે. કોડીનાર મામલતદાર દ્વારા આ મશીનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ મશીનથી ગામના તમામ લોકો કે જે જરૂરી કામે બહાર જાય છે, ખેતી માટે કે મજૂરીમાટે તો આ મશીનમાંથી સેનીટાઈઝ થઇને જ જવાનુ આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. સાથે ગામના બધા જ રાસ્તાઓ બંધ કરી મુખ્ય માર્ગથી જ પ્રવેશ કરવામાં આવે છે

આ ગામમાં કોઇના ઘરે દીકરી જન્મે તો 1 હજારનું ઇનામ અપાઇ છે

કોડીનાર નજીક આવેલા વિઠ્ઠલપુરની વાત જ કંઈક અલગ છે. આ ગામમાં પગ મુકતાની સાથે જ આપણે વિદેશમાં આવ્યાં હોય તેવી અનુભૂતી કરાવે છે. સ્માર્ટ વિલેજ એવા આ ગામે ફરી એક વાર અન્ય ગામોને પણ ઉમદા ઊદાહરણ પુરૂ પાડયું છે. ગામના યુવા સરપંચ પ્રતાપભાઈ મહિડાએ દિકરીઓ માટે દીકરી વધાવો-દીકરી ભણાવો નામની યોજનાની જાહેરાત પણ કરી છે. આ યોજના હેઠળ ગામમાં કોઈપણના ઘરે દીકરીનો જન્મ થાય ત્યારે રૂ.1 હજારનું ઈનામ આપવામાં આવે છે. તેમજ તે દીકરીઓના શિક્ષણ અને આરોગ્યની જવાબદારીમાં ગ્રામપંચાયત સાથ આપે છે.

ગ્રામપંચાયત દ્વારા વિદ્યાર્થી દતક યોજના પણ ચાલી રહી છે

આ ઉપરાંત ગ્રામપંચાયત દ્વારા વિદ્યાર્થી દતક યોજના પણ ચાલી રહી છે. આ યોજના હેઠળ ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા અને આર્થિક રીતે નબળા, અનાથ હોય તેવા વિદ્યાર્થીઓને ગ્રામપંચાયત દતક લે છે. દતક લીધેલા તમામ વિદ્યાર્થીઓનો ધોરણ 8 સુધીનો અભ્યાસનો તમામ ખર્ચો ગ્રામ પંચાયત ચૂકવે છે.. ગામમાં વસતા કોઈ પણ બાળક શિક્ષણથી વંચીત રહી ના જાય તે માટે આ યોજના બનાવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામજનોમાં પર્યાવરણની જાગૃતિ આવે તે માટે પણ સરપંચ દ્વારા વિશેષ યોજના બનાવમાં આવી છે. જેમાં ગામમાં દરેક ઘરને એક વૃક્ષ આપવામાં આવ્યુ છે. વૃક્ષનો ઉછેર ગ્રામજનો કરી રહ્યા છે. આ ઉપરાંત જે લોકો આ વૃક્ષનો ઉછેર 15 ફુટ સુધી કરશે તે ઘરને વેરામાંથી 20 ટકા રાહત ગ્રામપંચાયત આપશે.

(રાજેશ ભજગોતર, વેરાવળ)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગામના ગેટની વચોવચ્ચ મશીન મુક્યું