Home Gujarati કુલ 8 પોઝિટિવ થયા, આજથી પોઝિટિવ કેસના દર્દીના નામ-સરનામા જાહેર કરાશે

કુલ 8 પોઝિટિવ થયા, આજથી પોઝિટિવ કેસના દર્દીના નામ-સરનામા જાહેર કરાશે

86
0

સુરતઃ શહેરમાં કોરોનાનો વધુ એક દર્દી પોઝિટિવ નોંધાયો છે. યુએઈથી પરત ફરેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આંકડો 8 પર પહોંચ્યો છે. યુવકના સંપર્કમાં આવેલા પરિવારના 4 સભ્યોને ક્વોરોન્ટાઇન કરી સંપર્કમાં આવેલા અન્યોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે વધુ 12 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. તેમજ ગઈ કાલે નોંધાયેલા અને પેન્ડિંગ 6 સહિત કુલ 14નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે જિલ્લાના 2 સહિત 5નો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. દરમિયાન પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, તમામ પોઝિટિવ દર્દીના નામ, સરનામા મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. જેથી કે આ વ્યકતિના કોઇ સંપર્કમાં આવ્યા હોયતો તે લોકો ટોલ ફ્રી નંબર 1800 123 8000 ઉપર પોતાની માહિતી આપે. જેથી તેમના હેલ્થની તપાસ થઇ શકે.

બે દિવસના પેન્ડિંગ રિપોર્ટમાંથી 14નાનેગેટિવ આવ્યા

શહેરમાં વધુ 12 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં નાનપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મહાવીર હોસ્પિટલના કર્મચારી, યુએઈનો પ્રવાસ કરી 21મીએ સુરત આવેલા ઉધનાના 26 વર્ષીય યુવક, પુણેનો પ્રવાસ કરી સુરત આવેલા સિટીલાઈટના 24 વર્ષીય યુવક, મહારાષ્ટ્રનો પ્રવાસ કરી આવેલા પાંડેસરાના 26 વર્ષીય યુવક, ઉલ્લાસ નગરનો પ્રવાસ કરી આવેલા ડિંડોલીના 37 વર્ષીય યુવક, વલસાડનો પ્રવાસ કરી આવેલા નાનપુરાના 67 વર્ષીય વૃદ્ધ, જોધપુર થી પરત આવેલી પર્વત પાટીયાની 26 વર્ષીય મહિલા અને કોઈ પણ પ્રવાસ કર્યો ન હોય તેવા અડાજણના 30 વર્ષીય યુવક, કતારગામના 40 વર્ષિય યુવક, અમરોલીના 75 વર્ષીય વૃદ્ધ, વરાછાના 17 વર્ષીય કિશોર અને વરાછાના 5 વર્ષીય બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને દાખલ કરાયા છે અને તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી મહાવીરના 38 વર્ષીય કર્મચારી, સિટીલાઈટના 24 વર્ષીય યુવક અને પાંડેસરાના 26 વર્ષીય યુવક, અડાજણના 30 વર્ષીય યુવક, ડીંડોલીના 37 વર્ષીય યુવક, વરાછાના 17 વર્ષીય કિશોર, નાનપુરાની 67 વર્ષીય વૃદ્ધા તેમજ પર્વત પાટીયાની 26 વર્ષીય મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ઉપરાંત શનિવારે સામે આવેલા શંકાસ્પદો પૈકીના પેન્ડિંગ 6 વ્યક્તિના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 83 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા જેમાંથી 8 પોઝિટિવ સામે આવ્યા છે. 1 દર્દીનું મોત નિપજ્યું છે જ્યારે 71 નેગેટિવ અને 5ના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું

ટ્રેન અને પ્લેનમાં સાથે મુસાફરી કરનારાઓની શોધખોળ

ઉધનાનો યુવક યુએઈથી ગત 21મીએ પ્લેનમાં વડોદરા પહોંચ્યો હતો. ત્યારબાદ ટ્રેનમાં સુરત આવ્યો હતો. જ્યાં તે પરિવારના 4 સભ્યોના સંપર્કમાં આવ્યો હતો. પરિવારના સભ્યોને ક્વોરોન્ટાઇન કરી લેવાયા છે. જ્યારે પ્લેન અને ટ્રેનમાં સાથે મુસાફરી કરનારાઓને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

49 લાખનો હેલ્થ સર્વે પૂર્ણ થઇ ગયો

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આજથી તમામ પોઝિટીવ દર્દીના નામ, સરનામા મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. જેથી કે આ વ્યક્તિના કોઇ સંપર્કમાં આવ્યા હોય તો તે લોકો ટોલ ફ્રી નંબર 1800 123 8000 ઉપર પોતાની માહિતી આપે. જેથી તેમના હેલ્થની તપાસ થઇ શકે. આ ઉપરાંત અત્યાર સુધીમાં શહેરમાં 50.77 લાખના ડોર ટુ ડોર સર્વે સામે 49 લાખનો સર્વે પૂર્ણ થઇ ગયો છે. ડોર ટુ ડોર સર્વેમાં સુરત ગુજરાતમાં પ્રથમ નંબરે છે. આજે 1050 સહિત અત્યાર સુધીમાં 8 હજારથી વધુ સ્થળોએ ડીસ ઇન્ફેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

3600 લોકોનું મોબાઇલ એપથી મોનિટરીંગ

કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ઉધના, સચીન, ડીંડોલી, ભેસ્તાન, પાંડેસરા, વેડરોડ, અમરોલી, લિંબાયત ઘણા સંખ્યામાં લેબરો રહે છે, એ લોકો ભોજનથી વંચિત નહીં રહી જાય તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સહાય માટે આગળ આવે. હાલમાં 60 સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદો માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 4700 લોકો ક્વોરનટાઇન હેઠળ છે, જે પૈકી 3600 લોકોનું મોબાઇલ એપથી મોનિટરીંગ થઇ રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લોકડાઉનનો કડક અમલ કરાવાઈ રહ્યો છે