Home Gujarati હવે શું થશે?:શું બેકાબૂ બનેલા નેતાઓ પર લગામ લગાવાશે? માસ્ક-ડિસ્ટન્સિંગ-કર્ફ્યૂ અને બજારો...

હવે શું થશે?:શું બેકાબૂ બનેલા નેતાઓ પર લગામ લગાવાશે? માસ્ક-ડિસ્ટન્સિંગ-કર્ફ્યૂ અને બજારો અંગે નવા આદેશો બહાર પડી શકે છે

179
0
  • 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છતાં દિવસે બેફિકર ફરતી પ્રજાને સંયમમાં રાખવા કડક નિર્ણયો લેવાઈ શકે છે
  • કોવિડની ગાઇડલાઇન્સનો કડક અમલ કરાવવા પોલીસ-આરોગ્યતંત્રને વધુ સત્તા અપાશે

ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કાબૂમાં લેવા હાઈકોર્ટે આપેલા આદેશની સાથે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સની કડકપણે અમલ કરવાની દિશામાં રાજ્ય સરકારે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. એ જોતાં માસ્ક, ડિસ્ટન્સિંગની સાથે બેફામ બનેલી પ્રજાને સંયમમાં રાખવા કડક નિર્ણયો કરવામાં આવી શકે છે, જેમાં માસ્કના મુદ્દે હાઈકોર્ટના આદેશનું અમલ કરવાની સાથે ડિસ્ટન્સિંગના મામલે રાજકીય નેતાઓ ભાન ભૂલી ચૂક્યા હોવાથી તેમની પણ શાન ઠેકાણે લાવવા માટે ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન્સનો ભંગ કરનાર સામે કડક પોલીસ કાર્યવાહીના આદેશો થઈ શકે છે, સાથે સાથે રાજ્યનાં 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂની સાથે દિવસ દરમિયાન બજારોમાં જોવા મળતી ભારે ભીડને કાબૂમાં લેવા ચોક્કસ સમયમર્યાદામાં જ ભીડવાળાં બજારો ચાલુ રાખવા માટે નવી ગાઈડલાઈન્સ બહાર પડી શકે છે.

રાજ્યમાં ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો વધી
કોરોનાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારાને કોવિડના કોમ્યુનિટી સેન્ટરમાં સેવાની સજા કરવા અંગે આદેશ કર્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ આદેશનો અમલ કરવા માટેની દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે, એની સાથે ગુજરાતમાં દિવાળી પછી કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે છતાં પણ અનેક શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદોની સાથે સોશિયલ મીડિયામાં પણ આવા વિડિયો તેમજ ફોટા વાઈરલ થઈ રહ્યાં છે, જેને કારણે કોરોના બેકાબૂ બની રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર રાજ્યનાં 4 શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ કરાવવા પોલીસ તેમજ જે-તે આરોગ્યતંત્રને વધુ સત્તા આપી કાયદાને કડક અમલ કરાવવાની વિચારણા કરી રહી છે.

જીવનજરૂરી વસ્તુઓ માટે પણ સમયમર્યાદા નક્કી થઈ શકે છે
રાજ્યનાં મોટાં 4 શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે, ત્યારે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે, પરંતુ દિવસ દરમિયાન આ શહેરમાં પણ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી અને અનેક ઠેકાણે ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ભીડને કાબૂમાં લેવા દિવસ દરમિયાન પણ ચોક્કસ સમયે જ બજારો ચાલુ રાખવા અંગે નવી ગાઈડલાઈન્સ બહાર પડી શકે છે. ખાસ કરીને પાનના ગલ્લા તેમજ ચાની લારી ઉપરાંત શાકભાજી તેમજ કરિયાણાનાં માર્કેટોમાં બેકાબૂ ભીડ જોવા મળતી હોવાથી સમયમર્યાદામાં ફેરકાર કરવામાં આવી શકે છે.