Home Gujarati માસ્ક પહેરો અથવા કોવિડ દર્દીની સેવા કરો:માસ્ક વગર ફરનારા સામે હાઇકોર્ટ નારાજ,...

માસ્ક પહેરો અથવા કોવિડ દર્દીની સેવા કરો:માસ્ક વગર ફરનારા સામે હાઇકોર્ટ નારાજ, કહ્યું- માસ્ક ન પહેરનારા લોકોએ 5થી 15 દિવસ કોરોના સેન્ટરમાં સેવા કરવી પડશે, માત્ર દંડ પૂરતો નથી

230
0
  • સરકારને જાહેરનામું બહાર પાડી કોવિડ સેન્ટરમાં 5થી 6 કલાક સુધી કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો
  • હાઇકોર્ટે બે દિવસ પહેલાં જ સરકારને માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવવા પર વિચાર કરવા કહ્યું હતુ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

માસ્ક ન પહેરવા મુદ્દે

જે લોકો માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા પકડાય છે તેમને દંડવા માટે રાજ્ય સરકારે ચોક્કસ પોલિસી ઘડવી જોઈએ. તેના ભાગરૂપે પકડાનારી વ્યક્તિને કોમ્યુનિટી સર્વિસ સોંપવી જોઈએ. આ માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  1. પકડાનારી વ્યક્તિને લોકલ ઓથોરિટી દ્વારા સંચાલિત કોવિડ સેન્ટરમાં ડ્યૂટી સોંપવામાં આવે.
  2. આ માટેની ડ્યૂટી નોન-મેડિકલ હોવી જોઈએ, જેમ કે ક્લિનિંગ, હાઉસકીંપિગ, કૂકિંગ, ફુડ સર્વિંગ.
  3. ડ્યૂટી સોંપતાં પહેલાં જે-તે વ્યક્તિની જેન્ડર, એજ્યુકેશન, ઉંમર, સ્ટેટ્સ અને કયાનિયમનો ઉલ્લંઘન કર્યું છે એ બાબતને ધ્યાને લેવી જોઈએ.
  4. આ ડ્યૂટી રોજના 4-6 કલાકની હોવી જોઈએ અને તે 5-15 દિવસના સમય માટે આપી શકાય.
  5. આ અંગેની સૂચના રાજ્ય સરકાર દ્વારા પ્રિન્ટ મીડિયા સહિતનાં વિવિધ માધ્યમોમાં પ્રસારિત કરવામાં આવે.
  6. રાજ્ય સરકાર આગામી સુનાવણી, એટલે કે 24 ડિસેમ્બરે ઉપરોકત સૂચનોના અમલનો સ્ટેટ્સ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરે.

હાઈકોર્ટે શું કહ્યું

  • ફેસ કવર માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા લોકોને 10થી 15 દિવસ સુધી કોવિડ કેર સેન્ટરમાં સોશિયલ સર્વિસ માટે મોકલો. આ ઉપરાંત તેમની પાસેથી દંડ પણ વસૂલો.
  • ‘આ પગલાથી રાજ્ય સરકારને કોવિડનો ફેલાવો રોકવામાં મદદ મળશે’: ગુજરાત હાઇકોર્ટ
  • રાજ્ય સરકાર આવી પોલિસી લાવવાની બાબતમાં અવઢવમાં હતી અને તેમણે હાઇકોર્ટને કહ્યું કે તેમની સ્થિતિ પ્રિન્સ હેમલેટ જેવી છે. એને કારણે તેમને પોલિસીના અમલમાં મુશ્કેલી આવી રહી છે.
  • ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન ન કરનારા લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન-મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે

માસ્ક વગરનાએ દંડ આપવો પડશે, કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે
ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણય… માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય 10 દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે એવો પણ કોર્ટનો હુકમ કર્યો છે.

હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે માસ્ક વિના ફરતા લોકોને 8 દિવસ કોવિડ સેન્ટરમાં મૂકો
બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે.