Home Business પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ ગુલાટી, ધોરણ-5 પછી છોડી દીધી હતી...

પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ ગુલાટી, ધોરણ-5 પછી છોડી દીધી હતી સ્કૂલ

146
0

મસાલા કંપની MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરૂવારે 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. હાર્ટ અટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. તેમણે ઘોડાગાડી ચલાવવાથી લઈને મસાલા કિંગ બનવા સુધીની સફર ઘણી સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયક રહી છે…

મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ વર્ષ 1927માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. મસાલાનો કારોબાર નાના પાયે સિયાલકોટમાં તેમના પિતાએ 1919માં શરૂ કર્યો હતો. ભાગલા બાદ તેમનો પરિવાર શરણાર્થી તરીકે ભારત આવ્યો હતો. આજીવિકા માટે તેઓએ ઘણા દિવસો સુધી ઘોડાગાડી ચલાવી હતી, પરંતુ તેમને લાગ્યું કે આ કામ લાંબું નહીં ચાલે ત્યારે તેઓએ કરોલબાગમાં એક નાની દુકાનમાં મસાલા વેચવાનું શરૂ કર્યું, જેમાં કિસ્મતે તેમને સાથ આપ્યો.

ધર્મપાલજીના પરિવારમાં એક દીકરો અને છ દીકરીઓ છે. તેમનો દીકરો સમગ્ર કારોબારનું ઓપરેશન સંભાળે છે તો છ દીકરીઓ ક્ષેત્રીય આધાર પર ડિસ્ટ્રીબ્યૂશન જોવાનું કામ કરે છે. ધર્મપાલજીએ માત્ર ધોરણ-5 સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ શરૂઆતમાં પોતાના પિતાના મસાલાના બિઝનેસથી અલગ વેપારમાં હાથ અજમાવીને સફળ થવા માંગતા હતા. તેના માટે તેઓએ સિયાલકોટમાં રહીને અનેક પ્રકારના બિઝનેસ અજમાવી જોયા પરંતુ તેઓ કોઈમાં પણ સફળ ન થયા.

ધર્મપાલજીએ MDHની શરૂઆત નાના સ્તરે ભારતમાં કરી, પરંતુ હાલના સમયમાં દેશના મસાલા બજારમાં તેમની 12 ટકા હિસ્સેદારી છે. તેમની કંપની 62 પ્રોડક્ટ તૈયાર કરે છે., જે 150 પેકેટ્સમાં ઉપલબ્ધ છે. MDHના બ્રાન્ડ એમ્બેસેડર તેઓ પોતે જ હતા.

MDHનું બજાર 2000 કરોડ રુપિયાથી ઘણું વધુ છે. તેમના ગ્રુપની પાસે 15 ફેક્ટરીઓ, 1000 ડીલર્સ છે. દુનિયાના તમામ મોટા દેશો અને શહેરોમાં તેમની કંપનીની ઓફિસ અને કારોબાર ફેલાયેલો છે.

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને વર્ષ 2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓએ દિલ્હીમાં 20 સ્કૂલ અને અનેક હૉસ્પિટલ શરૂ કરી છે. તેમની કં૫ની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરે છે. તેમના મસાલાનો મુખ્ય સ્ત્રોત કર્ણાટક અને રાજસ્થાન ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાન છે.