Home Gujarati ઉઘાડી લૂંટ:સાલ હોસ્પિટલે કોરોના દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ખાનગી બેડ પર...

ઉઘાડી લૂંટ:સાલ હોસ્પિટલે કોરોના દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ખાનગી બેડ પર દાખલ કરી રૂ.2 લાખનું બિલ પકડાવ્યું

97
0
  • ખાનગી હોસ્પિટલો માટે દર્દીની સારવાર નહીં, પૈસો જ પરમેશ્વર
  • સાલ હોસ્પિટલમાં 2 લાખ ભર્યા પછી પણ દર્દીનું મૃત્યુ થયું, પ્લાઝમા ન આપ્યું હોવા છતાં બિલમાં પૈસા ગણ્યા
  • માતા-પુત્રીને બિલ ભરવા વ્યાજે પૈસા લેવા પડ્યા, આરોગ્ય વિભાગને ફરિયાદ કરી, પણ પરિણામ શૂન્ય

કોરોનાના કપરા સમયમાં પણ ખાનગી હોસ્પિટલો દર્દીની સારવારને મહત્ત્વ આપવાને બદલે પોતાના પૈસાને જ મહત્ત્વ આપે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રિફર કરેલા દર્દીની ફ્રીમાં સારવાર કરવાની હોય છે, પણ એક ખાનગી હોસ્પિટલે ખાનગી દર્દી ગણી 5 લાખનું બિલ વસૂલ્યું હતું. અન્ય એક કિસ્સામાં દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ફરી તકલીફ થતાં ખાનગી દર્દી તરીકે દાખલ કરી 2 લાખનું બિલ પકડાવી દીધું હતું.

ઓક્સિજન લેવલ 82 થઈ જતાં ફરી સાલ હોસ્પિટલ લવાયા
સાલ હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સાથેની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ. ક્વોટાના બેડ પર દર્દીને માત્ર એક સપ્તાહ સારવાર આપી, સારું છે કહી એક વખત રજા આપ્યાના બીજા જ દિવસે દર્દીની હાલત ખરાબ થઈ હતી. બીજા દિવસે સાલ હોસ્પિટલમાં ફરી આ જ દર્દીને પ્રાઈવેટ બેડમાં દાખલ કરી હોસ્પિટલે 2 લાખ પડાવ્યા હતા. આટલી જંગી રકમ લીધા પછી યોગ્ય સારવારના અભાવે દર્દીનું મૃત્યુ થયાનો આક્ષેપ પરિવારે કર્યો છે. વધુમાં, પરિવારે પોસ્ટમોર્ટમ સહિતની તપાસનો આગ્રહ રાખી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. થલતેજ સુરધારા સર્કલ નજીક રહેતા કિરીટ પટેલ 7 ઓક્ટોબરે કોરોના પોઝિટિવ આવતાં સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 14 ઓક્ટોબરે રજા અપાઈ હતી. રજા આપ્યાના 24 કલાકમાં જ કિરીટભાઇનું ઓક્સિજન લેવલ 82 થઈ જતાં ફરી સાલ હોસ્પિટલમાં લવાયા હતા. જોકે હોસ્પિટલે તેમને ખાનગી બેડમાં જ દાખલ કરવાનો આગ્રહ રાખી 2 લાખ ભરાવ્યા હતા. દર્દીને પ્લાઝમા નહીં આપ્યું હોવા છતાં તેનું બિલ બનાવ્યું હતું. પરિવારે પોલીસમાં અરજી કર્યા પછી તેમને પ્લાઝમા અપાયું હતું.

2 લાખ લીધા નથી, મૃત્યુ હાર્ટ-અટેકથી થયું હતું
સાલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની ગાઇડલાઇન્સ મુજબ 12 દિવસ સારવાર કરી. દર્દીને રજા આપ્યા બાદ ફરી શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં તેમને ખાનગી બેડ પર દાખલ કરાયા હતા. આઇસીયુની ટીમે દર્દીને સઘન સારવાર આપી હતી. દર્દીનું મૃત્યુ હાર્ટ-અટેક આવવાને લીધે થયું હતું. 2 લાખ લીધા નથી કે દર્દીના સગાએ પૈસા પણ ભર્યા નથી અને મૃતદેહ સોંપ્યો હતો, પણ પરિવારની માગણી પોસ્ટમોર્ટમની હતી. અમે પરવાનગી આપી હતી. અમારી કોઈ ભૂલ નથી.

આરોગ્ય વિભાગને રજૂઆત છતાં પ્રશ્ન ન ઉકેલાયો
ખાડિયા રાવળશેરીમાં રહેતાં દેવીબેન જોષી અને તેમની પુત્રી વિદ્યા જોષીનો રિપોર્ટ 17 મેએ પોઝિટિવ આવ્યો હતો. દેવીબેનના પતિનું અગાઉ કોરોનાથી અવસાન થયું હતું. માતા-પુત્રીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યાંથી તેમને સિમ્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. દેવીબેન જોષીએ 18 મેથી 29 મે જ્યારે તેમની પુત્રી વિદ્યા જોષીએ 18 મેથી 28 મે સુધી સિમ્સમાં સારવાર લીધી હતી. હોસ્પિટલે બંને માટે અનુક્રમે 2.49 લાખ અને 2.09 લાખનું બિલ પકડાવી દીધું હતું. મ્યુનિ. આરોગ્ય વિભાગને રજૂઆત છતાં પ્રશ્ન ઉકેલાયો ન હતો.

હોસ્પિટલ સામે પગલાં લો
ખાડિયાના કોર્પોરેટર મયૂર દવેએ જણાવ્યું હતું કે આ બાબતે મેં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હેલ્થને રજૂઆત કરી છે કે મ્યુનિ. ક્વોટામાં દાખલ કર્યા બાદ માતા-પુત્રી પાસેથી બિલની રકમ વસૂલવામાં આવી એ ગંભીર બાબત છે. એમાં યોગ્ય તપાસ કરીને પગલાં લેવાવાં જોઇએ.

મ્યુનિ.નો પત્ર પછી લાવ્યા
સિમ્સ હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ એડમિનિસ્ટ્રેટર ધવલ પટેલે જણાવ્યું હતું કે તેમણે પ્રાઇવેટ બેડમાં જ ટ્રીટમેન્ટ લીધી છે. દાખલ થતા સમયે તેમણે આ બાબતે કન્સેન્ટ પણ આપી હતી. બાદમાં તેઓ મ્યુનિ.નો લેટર ક્યાંકથી મેનેજ કરીને લાવ્યા હતા, જે બાબતે અમે મ્યુનિ.નું ધ્યાન પણ દોર્યું હતું.