Home Gujarati વર્લ્ડ કપ ફાઈનલને ધ્યાનમાં રાખી MCC ઓવરથ્રોના નિયમની સમીક્ષા કરશે

વર્લ્ડ કપ ફાઈનલને ધ્યાનમાં રાખી MCC ઓવરથ્રોના નિયમની સમીક્ષા કરશે

297
0


ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા મેરિલબોન ક્રિકેટ કમિટી (એમસીસી)ની સપ્ટેમ્બરમાં બેઠક યોજાશે, જેમાં વર્લ્ડ કપની ફાઈનલના વિવાદિત ઓવરથ્રોની સમીક્ષા કરવામાં આવશે. એમસીસીએ કહ્યું કે-‘વર્લ્ડ ક્રિકેટ કમિટીએ ઓવરથ્રો સાથે જોડાયેલા નિયમ 19.8 પર ફરીવાર વિચાર કર્યો છે. આમ વર્લ્ડ કપ 2019ની ફાઈનલને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું. ડબ્લ્યૂસીસીનું માનવું છે કે ઓવરથ્રો નિયમ સ્પષ્ટ છે, પરંતુ તેની સમીક્ષા જરૂરી છે.’ વર્લ્ડ કપ ફાઈનલના અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ દોડીને 2 રન લીધા હતા. બીજો રન લેતા સમયે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે કરેલો થ્રો સ્ટોક્સના બેટને વાગી બાઉન્ડ્રી પાર ગયો હતો. જેના કારણે ઈંગ્લેન્ડના ખાતામાં કુલ 6 (4 બાઉન્ડ્રીના અને 2 દોડવાના) રન ઉમેરાયા હતા. આ 4 રન જ નિર્ણાયક સાબિત થયા. જે પછી તેની પર ઘણો વિવાદ થયો હતો કે ગુપ્ટિલ થ્રો કર્યો ત્યારે બંને બેટ્સેમેનોએ એકબીજાને ક્રોસ કર્યા નહોતા. તેથી તેમને દોડવાનો એક જ રન મળવો જોઈતો હતો. અમ્પાયર કુમાર ધર્મસેનાએ ફાઈનલના 3 દિવસ બાદ પોતાની ભૂલ સ્વીકારી હતી પરંતુ તે અંગે માફી માગવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારથી ઓવરથ્રોનો નિયમ વિવાદોમાં છે. એમસીસીએ એક વાત સ્પષ્ટ કરી છે કે, ટેસ્ટ મેચમાં ન્યૂટ્રલ અમ્પાયરના નિયમ પર પુન:વિચાર નહીં કરવામાં આવે. આ મુદ્દો બેઠકમાં રાખવામાં આવશે નહીં. ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં અમ્પાયરોએ 10 ખોટા નિર્ણય આપ્યા હતા જે પછી ન્યૂટ્રલ અમ્પાયર રાખવાના નિયમ પર ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે સવાલ ઉઠાવ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today