Home Gujarati નાગરવાડા અને સૈયદપુરામાં કોરોના જ્વાળામુખીની ટોચે, શહેરમાં કુલ 95 પોઝિટિવ કેસ થયા

નાગરવાડા અને સૈયદપુરામાં કોરોના જ્વાળામુખીની ટોચે, શહેરમાં કુલ 95 પોઝિટિવ કેસ થયા

96
0

વડોદરામાં શનિવારે જાહેર કરાયેલા કોરોનાના રિપોર્ટમાં કુલ 36 નવા પોઝિટિવ કેસો આવતાં હવે શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 95 પર પહોંચી ગઇ છે. ત્રણ દિવસ અગાઉ શહેરમાં પોઝિટિવ કેસ 17 હતા, તેમાં અચાનક 529 ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે હવે વડોદરામાં પોઝિટિવ દર્દીઓમાં સંક્રમણ સ્થાનિક જ થઇ રહ્યું છે. અત્યાર સુધીના પોઝિટિવ દર્દીઓમાં 93 ટકા (84 દર્દીઓ ) દર્દીઓમાં સ્થાનિક ચેપ જ લાગ્યો છે. બીજી તરફ ક્લસ્ટર ક્વોરન્ટાઇન થયેલા વિસ્તારોમાં તંત્ર દ્વારા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. આજ સુધીમાં સૌથી વધુ કેસ વિસ્તાર મુજબ નાગરવાડાના સૈયદપુરાના છે. 90માંથી 48 કેસો નાગરવાડા સૈયદપુરાના છે. આજે નવા બે વિસ્તારો નાગરવાડાના આમલી ફળિયા અને નાગરજી મહોલ્લો ઉમેરાયો છે.

પંદરસો નમૂના એકત્ર કરવાનો ટાર્ગેટ
આમ કોરોના સંક્રમણ નાગરવાડામાં પણ મક્કમ ગતિએ વધી રહ્યું છે. આગામી સમયના પેન્ડિંગ રિપોર્ટમાં નાગરવાડાના બીજા વિસ્તારો પણ ઉમેરાય તો નવાઇ નહીં. આજ કારણસર નાગરવાડાના અન્ય મહોલ્લાઓ-ફળિયામાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. આ ઉપરાંત અલકાવેલ્ડિંગ સામેના વિસ્તારમાં પણ લોકો કોરોનાના કેરથી ફફડી ઊઠ્યા છે. છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાં પણ ડઝન જેટલા કેસો નોંધાયા છે. શનિવારે આ વિસ્તારમાં પિતા અનવરહુસેન મલેક અને તેમનો 30 વર્ષનો પુત્ર ઇશાર તથા સેફિયા સૈયદ માતા તથા તેમનો 17 વર્ષીય પુત્ર સુફિયાન કોરોનાના સંક્રમણમાં સપડાયા છે. અને શનિવારે જાહેર થયેલા પોઝિટિવમાં 3 વૃદ્ધો અને એક 12 વર્ષના બાળકને બાદ કરતા તમામ યુવાનો જ છે. આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, ‘ રાબેતા મુજબ નક્કી કરેલા શિડ્યુઅલ મુજબ ઓરેન્જ ઝોનમાં નમૂનાના એકત્રીકરણની કામગીરી ચાલી હતી. આગામી દિવસોમાં પણ કોરોના સંક્રમિતોને શોધવા માટે આ કામગીરી ચાલતી રહેશે.’ દરેક મોટા શહેરને પંદરસો નમૂના એકત્ર કરવાનો ટાર્ગેટ અપાયો છે.

પથ્થરમારાની ઘટનામાં 2 મહિલા સહિત 10 આરોપીની ધરપકડ
કોરોના વાઈરસના ડરના કારણે પાણીગેટ બહાર મંદિર નજીક અવર-જવર માટે રસ્તો બંધ કરી દેવાના મુદ્દે ઘર્ષણ થયું હતું. સામસામે પથ્થરમારો થતાં ભારે દોડધામ મચી હતી. પોલીસે આ બનાવમાં 10 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. અને 9 લોકો ફરાર છે.હાલમાં પોલીસે બંદોબસ્ત જાળવી રાખ્યો છે અને અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે

મોર્નિંગ વોકમાં નીકળેલા 4ની પોલીસે ધરપકડ કરી
કોરોના વાઇરસના પગલે કરાયેલા લોકડાઉનમાં મોર્નિંગ વોકમાં નીકળેલા ચાર વોકરોને પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા વોકરોમાં બિલ્ડર, એન્જિનીયર અને વેપારીઓનો સમાવેશ થાય છે. સયાજીગંજ પોલીસ મથકના પી.આઇ. એસ.જી. સોલંકીને અલકાપુરી વડીવાડી વિસ્તારમાં લોકો મોર્નિંગ વોકમાં નીકળ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પી.એસ.આઇ. એન.એમ. ભુરીયા સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. અને મોર્નિંગ વોકમાં નીકળેલા બિલ્ડર તાહીર અબ્બાસ જાંબુઆવાળા (રહે. 301, અર્થ 2 નંદનવન સોસાયટી, અલકાપુરી,વડોદરા), સોફ્ટવેર એન્જિનીયર ચિરાગ દામુભાઇ ગજ્જાર (રહે. 103, શ્રણમ અલકાપુરી), કંન્સ્ટ્રક્શનનું કામ કરતા બિરેન અરૂણભાઇ પટવા (રહે. 2, તૃપ્તી પટવા એસ્ટેટ, આર.સી. દત્ત રોડ) અને ઇલેકટ્રીકના વેપારી મયુર જીતેન્દ્રભાઇ શાહની (રહે. 601, હિરા પન્ના ટાવર, અલકાપુરી) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સેવ ઉસળની પાર્ટી કરી રહેલા 7 વ્યક્તિઓની પોલીસે ધરપકડ
વડોદરાશહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીમાં સેવ ઉસળની પાર્ટી કરી રહેલા 7 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કાર્યવાહી કરી છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સેવ ઉસળ પાર્ટીનો વોટ્સએપ મેસેજ મળ્યો હતો.સયાજીગંજ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પી.એસ.આઇ. એન.એમ. ભુરીયાના મોબાઇલ ઉપર શ્રીજી સોસાયટીમાં સેવ ઉસળની પાર્ટી ચાલતી હોવાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાજ પોલીસ પહોંચી ગઇ હતી. સેવ ઉસળની મોજ માણી રહેલા ચેમ્પિયન બ્યુટીપાર્લરના માલિક કલ્પેશ રમણભાઇ લિમ્બચીયા (રહે. રમણકુંજ શ્રીજી સોસાયટી, સયાજીગંજ), કપડાંની દુકાનના માલિક ધવલ અશ્વિનભાઇ પટેલ (રહે. 3, શ્રીજી સોસાયટી, સયાજીગંજ), વાઇલ્ટ વોલિયન્ટર અમીત દિનેશભાઇ પટેલ (રહે. શ્રીજી સોસાયટી, સયાજીગંજ) અને એલ.ઇ.ડી. કંપનીમાં નોકરી કરતા રોનક લલિતભાઇ પટેલ (રહે. શ્રીજી સોસાયટી, સયાજીગંજ)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જેપી પોલીસ સ્ટેશન માથે લેનાર વકીલ અને મુસ્લિમ અગ્રણીની પોલીસે ધડપકડ
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે તાંદલજાને રેડઝોન જાહેર કરાયા બાદ જે પી પોલીસ સ્ટેશન માથે લેનાર વકીલ અને મુસ્લિમ અગ્રણીની પોલીસે ધડપકડ કરી છે. લોકડાઉન અંગેના બંદોબસ્ત ની ચર્ચા કરી રહ્યા હતા. તે વખતે અસફાક અબ્દુલ કાદર મલેક ધસી આવી પોતે વકીલ અને મુસ્લિમ આગેવાન હોવાનું જણાવી બુમો પાડી હતી કે, તમે મુસ્લિમોને હેરાન કરવા માટે તાંદલજા વિસ્તારને રેડ ઝોન જાહેર કર્યો છે. અમારી માંસાહારની દુકાનો પણ બંધ કરાવી દીધી છે. હવે ચિકન મટન માટે શું વ્યવસ્થા કરી છે. તેમ જણાવીને બુમો પાડતો હતો. જેથી પોલીસ દ્વારા અસફાકને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તેઓ વારંવાર આવી ને પાયાવિહોણી રજૂઆત કરી રહ્યો હતો. આ મામલે પોલીસે અસફાક મલેક વિરુદ્ધ ગુનો ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Vadodara Live 59 Corona positive cases registered so far in Vadodara, 200 samples to be taken from today


Corona Vadodara Live 59 Corona positive cases registered so far in Vadodara, 200 samples to be taken from today