Home Gujarati કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં પોઝિટિવ કેસોના નામ જાહેર કર્યાં, મ્યુનિ. કમિશનરનો નિર્ણય

કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં પોઝિટિવ કેસોના નામ જાહેર કર્યાં, મ્યુનિ. કમિશનરનો નિર્ણય

95
0

રાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તમામ પોઝિટિવ દર્દીના નામ જાહેર કર્યાં છે.તેમણે કોરોના વાઇરસના તમામ દર્દીઓના નામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હવે નામ જાહેર કરવામાં આવે તો પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. તે માટે 104 અને 15503 નંબર પર જાણ કરી શકશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, નામની જાહેરાત કર્યા બાદ જો કોઇ પણ વ્યક્તિ પોઝિટિવ કેસના દર્દી સાથે ગેરવર્તણૂક કરશે અથવા ભેદભાવભર્યું વર્તન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લોકલ ટ્રાન્સમિટના 2 કેસ સામે આવ્યાં

આજે એક સાથે 8 કોરોના પોઝિટિવના કેસો સામે આવ્યા છે. તમામે તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ દાવો કર્યો હતો કે, ડોર ટુ ડોર સર્વેમાં કોરોના પોઝિટિવના 2 કેસ સામે આવ્યા હતા. બંને દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે સામે આવેલા 8 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 31 પર પહોંચ્યો છે. સાથે જ અમદાવાદ કોરોના વાઈરસનું એપિસેન્ટર બન્યું છે અને હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યું છે.

ગોમતીપુરમાં પોલીસ પર પથ્થરમારો

શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી કસાઈની ચાલી પાસે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. ગોમતીપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચાલી પાસે કેટલાક લોકો બહાર હતા જેને પોલીસે ઘરમાં અંદર જતા રહેવા સૂચના આપી હતી. પરંતુ કેટલાક લોકો બહાર જ ઊભા રહેતા પોલીસે તેઓને પકડીને લઈ જતી હતી. ત્યારે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીને સામાન્ય ઇજા થઇ હતી. ઘટનાના પગલે મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બે લોકોની અટકાયત કરી લીધી છે. ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

ડી-માર્ટ, સ્ટાર બજાર સહિતના મોલ ખુલ્યા

શહેરમાં ડીમાર્ટ, સ્ટાર બજાર સહિતના મોલ ફરી ખોલવામાં આવ્યા છે. મોલ ખોલવામાં આવતા લોકોએ ખરીદી માટે દોટ મૂકી હતી. થોડા દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મોલ પર થતી ભીડ દૂર કરવા ખરીદી બંધ કરી હોમ ડિલિવરી જ કરશે તેવી જાહેરાત કરી હતી. વિજય નહેરાની જાહેરાતના થોડા દિવસ પહેલા મોલ બંધ રાખવા સૂચના આપ્યા બાદ ફરીથી ખરીદી માટે ખુલ્લા મુકાયા છે, ઉપરાંત હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે. મોલમાં સેનિટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવે છે.

અમદાવાદ કોરોના વાઈરસનું એપિસેન્ટર

કોરોના વાઈરસનું એપિસેન્ટર અમદાવાદ બન્યું છે. રાજ્યમાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તમામે તમામ કેસો અમદાવાદના છે. આ સાથે જ અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બન્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયાને કોરોના વાઈરસને પગલે ઉદભવેલી સ્થિતિની માહિતી આપી હતી. અમદાવાદમાં આજના 8 કેસમાં 4 આંતર રાજ્યના,3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
રાજ્યમાં 82 પર કોરોના પોઝિટિવ કેસ પહોંચ્યા
●અમદાવાદ:31
●વડોદરા: 9
●રાજકોટ: 10
●ગાંધીનગર:11
●સુરત:10
●કચ્છ: 1
●ભાવનગર :5+ 2 મોત
●મહેસાણા -1
●ગીરસોમનાથ -2
●પોરબંદર -1
વિદેશ: 33, આંતરરાજ્ય:8, સ્થાનિક:41
પોલીસ રાત્રે તપાસ કરી
દિલ્હીમાં તબ્લિક જમાતના પ્રોગ્રામમાં અમદાવાદના 29 લોકો ગયા હતા. તમામ લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેમને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. મોડી રાતે દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગુજરાત એટીએસ અને SOGની ટીમે તપાસ હાથ ધરી હતી. 29 જેટલા લોકો મળી આવતા તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આ લોકો ક્યાં ક્યાં ગયા હતા? અમદાવાદ આવીને કોને મળ્યા હતા? તેમજ કઈ રીતે આવ્યા તેની તપાસ શરૂ કરી છે. આજે તેઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામના રિપોર્ટ પેન્ડિગ રાખવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વિજય નહેરા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર – ફાઇલ તસવીર


પ્રતિકાત્મક તસવીર


ડી-માર્ટ શોપિંગ મોલની ફાઈલ તસવીર


સિવિલ હોસ્પિટલ અમદાવાદ