Home Gujarati રાજકોટ: બેવડી હત્યાને અંજામ આપનાર આરોપીનું સારવાર દરમિયાન મોત, એક પુત્રનું પણ...

રાજકોટ: બેવડી હત્યાને અંજામ આપનાર આરોપીનું સારવાર દરમિયાન મોત, એક પુત્રનું પણ નિધન

142
0

રાજકોટમાં ગુરૂવારના રોજ રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સારવાર દરમિયાન આરોપીએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પિતાને કારણે એક પુત્રને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજકોટ: ગુરૂવારના રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ઇમરાન નામના આરોપીએ પોતાની પત્ની નાઝિયા તેમજ પોતાના મામા નજીર પઠાણને છરીના ઘા ઝીંકી બંનેની હત્યા નીપજાવી હતી. સાથે જ પોતાની સાસુને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. બીજી તરફ બેવડી હત્યાને અંજામ આપી આરોપી ઇમરાને પોતાના બે સંતાનો સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ ઇમરાનને પોતાના બે સંતાનો સાથે સારવાર માટે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બર્ન્સ વિભાગ ખાતે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બેવડી હત્યાને અંજામ આપનાર આરોપી અને તેના એક પુત્રનું નિધન થયું છે. જ્યારે અન્ય એક સંતાનની તબિયત હજુ પણ નાજુક હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખુદ ડીસીપી કક્ષાના અધિકારી મનોહરસિંહ જાડેજા, એસીપી કક્ષાના અધિકારી પ્રમોદ દિયોરા તેમજ પોલીસ ઇન્સ્પેકટર એલ. એલ. ચાવડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત ફિરોઝાબેનને રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર પંચનામાની કાર્યવાહી કરી બંને મૃતકોની લાશને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટમોર્ટમ રૂમે પીએમ માટે ખસેડવામાં આવી હતી.

પોલીસ ભરશે હવે એબેડેડ સમરી : સામાન્યતઃ પાંચ પ્રકારની સમરી પોલીસ ભરતી હોઈ છે. જેમાં એ સમરી, બી સમરી, સી સમરી સહિત પાંચ જેટલી સમરીનો સમાવેશ થતો હોય છે. જ્યારે કોઈ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ/આરોપીનું મૃત્યુ થઈ જાય ત્યારે પોલીસ કોર્ટમાં એબેડેડ સમરી ફાઈલ કરતી હોઈ છે. જે સમરી અંતર્ગત પોલીસ નામદાર કોર્ટને કેસના આરોપી અંગે જાણ કરતી હોય છે, કે જે પણ ઘટના ઘટીત થવા પામી હતી. આ ઘટનામાં જે કસૂરવાર હતો/હતી તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેથી મૃતક આરોપી વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ કરવો શક્ય ન હોવાથી એબેડેડ સમરી ભરવામાં આવી છે.

શું બની હતી ઘટના? : રાજકોટમાં ગુરુવારની સાંજે ફાટક પાસે સરેઆમ સંબંધોનું ખૂન થયું હતું. છેલ્લા કેટલાય સમયથી ઇમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા પઠાણ વચ્ચે પારિવારિક તકરાર ચાલતી હતી. સાથે છેલ્લા કેટલાય સમયથી બાળકોની કસ્ટડી મામલે કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ સવારના ભાગમાં નાઝિયાએ પોતાના પતિની ફરિયાદ 181 અભયમમાં કરી હતી. જેના કારણે પોલીસે આરોપી ઇમરાનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પોલીસમાં કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી ઇમરાન તેની પત્ની તેના મામાજી અને તેની સાસુ પાસે પહોંચ્યો હતો. ક્ષણભરની બોલાચાલી બાદ મામલો બેવડી હત્યા સુધી પહોંચી ગયો. હત્યા કર્યા બાદ આરોપી ઇમરાને પોતાના બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.