Home Gujarati સિવિલ હોસ્પિટલથી પુત્ર સાથે ઘરે પાંડેસરા પગપાળા જવા નિકળેલા પિતાનું 8 કિમી...

સિવિલ હોસ્પિટલથી પુત્ર સાથે ઘરે પાંડેસરા પગપાળા જવા નિકળેલા પિતાનું 8 કિમી ચાલી રસ્તામાં જ મોત

83
0

સુરત: શહેરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે અત્યંત લાગણીશીલ કિસ્સો સામે આવ્યો છે. પોતાના પુત્ર સાથે હોસ્પિટલથી ઘરે પગપાળા આવી રહેલા એક પિતાનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, સિવિલથી આઠ કિમી જેટલું ચાલ્યા બાદ પિતાનું મોત થઈ ગયું હતું.

કોઈ વાહન ન મળતા 12 કિમી ચાલવાનો નિર્ણય કર્યો

સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે રહેતા ગંગારામ ઇંગ્લે (ઉ.વ.63) લીવરના સોજા થી પીડાતા હતા. જેને પગલે તેમનો દીકરો નરેશ પિતાને સુરતની સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. ડોક્ટરોએ તપાસીને તેઓને દવા આપ્યા બાદ ઘરે જવા માટે કહ્યું હતું. નરેશ પોતાના પિતા સાથે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે રિક્ષા કે અન્ય વાહનની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ કોઈ વાહન ન મળતા આખરે પિતા પુત્રએ પગપાળા જ સિવિલ હોસ્પિટલથી પાંડેસરા સુધી 12 કિલોમીટર પગપાળા જ ચાલવાનું નક્કી કર્યું અને નરેશ પોતાના બીમાર પિતા સાથે પગપાળા પાંડેસરા તરફ જઈ રહ્યો હતો.

ઝાડ નીચે આરામ કરવા ઉભા રહેતા પિતા ફસડાઈ પડ્યા

રસ્તામાં ક્યાંક ક્યાંક છાંયડો લેવા માટે પિતા પુત્ર લેવા યોગ્ય સ્થળ મળે ત્યાં બેસીને આરામ પણ કરતા હતા. બંને જ્યારે આઠ કિમી ચાલી એક ઝાડ નીચે બેઠા હતા ત્યારે અચાનક જ ગંગારામની તબિયત લથડી હતી અને તેઓ ફસડાઈ પડ્યા હતા. દીકરાએ પોતાના પિતાને સ્વસ્થ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પિતા દ્વારા કોઇ રિસ્પોન્સ ન મળતા આખરે 108૮ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં કર્મીઓ ગંગારામના શરીરને ચેક કર્યું હતું પરંતુ તેઓને દર્દીને સિવિલ હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલ લઈ જવો પડે એમ લાગ્યું ત્યારે તેઓ ફરીથી ગંગારામને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

રિક્ષા કે લિફ્ટ મળી હોત તો મારા પિતા હયાત હોતઃ પુત્ર

શુક્રવારે ગંગારામનો પુત્ર નરેશ પોતાના પરિવાર સાથે પોતાના પિતાની ડેડબોડી લેવા માટે પોસ્ટ મોર્ટમ રૂમ બહાર ઉભો હતો. તેણે જણાવ્યું હતું કે, જો મને અને મારા પિતાને પાંડેસરા સુધી જવા માટે રિક્ષા કે લિફ્ટ મળી હોત તો અમે બંને ઘરે પહોંચી શક્યા હોત. અમે પિતા-પુત્ર ચાલતા જ ઘર ભણી નીકળ્યા હતા અને મારા પિતાનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. જો અમને રિક્ષા કે લિફ્ટ મળી ગઈ હોત તો મારા પિતા હયાત હોત.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મૃતક પિતા(ડાબે) અને પુત્રની ફાઈલ તસવીર