Home Gujarati સલૂન સંચાલક ગુલિયન સ્મિથે ગ્રાહકોના સ્વાસ્થ્યને મિશન બનાવ્યું, મફત તપાસ અને દવાની...

સલૂન સંચાલક ગુલિયન સ્મિથે ગ્રાહકોના સ્વાસ્થ્યને મિશન બનાવ્યું, મફત તપાસ અને દવાની પણ વ્યવસ્થા કરાવી

105
0

વોશિંગ્ટનઃ તમે જ્યારે પણ સલૂનમાં જાવ ત્યારે સામાન્ય રીતે રાજકારણ કે અન્ય કોઇ વિષય પર ચર્ચા થતી હોય છે પણ અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટના મિલ્વાઉકીનું એક સલૂન સાવ અલગ છે. આ સલૂનમાં દુનિયાદારીના વિષયો પર નહીં પણ ગ્રાહકો તથા અન્ય લોકોના આરોગ્ય અંગે વાતચીત થાય છે. તેના પરિણામે સ્થાનિક લોકો સ્વાસ્થ્ય અંગે જાગૃત થઇ ગયા છે અને એકબીજાની મદદ પણ કરવા લાગ્યા છે. તેનું સૌથી મોટું કારણ બન્યા છે સલૂન ચલાવતા ગુલિયન સ્મિથ, જેમને લોકો પ્રેમથી જી કહે છે.

તેઓ લોકોની પોતાના પ્રત્યેની લાપરવાહી અને એવા લોકોના મોતથી દુ:ખી છે કે જેમણે પોતાની બીમારીની સમયસર સારવાર કરાવી હોત તો તેમને બચાવી શકાયા હોત. સ્મિથે તેમને ત્યાં આવતા ગ્રાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અંગે વાતચીત શરૂ કરી. જેમ કે- તેઓ સારા સ્વાસ્થ્ય માટે કેવી દિનચર્યા અપનાવે છે, ક્યારે-ક્યારે ચેકઅપ કરાવે છે કે નાની-મોટી શારીરિક તકલીફો દરમિયાન શું કરે છે, વગેરે. આ દરમિયાન ઘણા લોકોએ માત્ર સ્મિથના કહેવા પર મેડિકલ ચેકઅપ કરાવ્યું. તેમાંના ઘણાને તેમની બીમારી વિશે સમયસર જાણ થઇ અને તેઓ સારવાર કરાવી સાજા થઇ ગયા.

આવા જ એક ગ્રાહકે જણાવ્યું કે, એક દિવસ સ્મિથ સાથે ચર્ચા બાદ મેં મારું ચેકઅપ કરાવ્યું તો મને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું માલૂમ પડ્યું. તે પ્રારંભિક તબક્કામાં હતું અને હું સારવારથી સાજો થઇ ગયો. તેમના કારણે મારો જીવ બચ્યો છે. સ્મિથે સલૂનના એક ભાગને ક્લિનિકમાં ફેરવી નાખ્યો છે. સ્મિથ કહે છે- નાની-મોટી તકલીફને હળવાશથી ન લો. આ બધું આપણી જિંદગી બચાવવા માટે છે, કોઇ નાની બાબતના કારણે તેને ગુમાવવા માટે નહીં.

ક્લિનિક દર ગુરુ, શુક્ર અને શનિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તેમાં એક ફાર્મસી પણ છે, જ્યાં દવાઓ મફત મળે છે. વીડિયો કૉલ દ્વારા પણ ડૉક્ટરનો અભિપ્રાય લઇ શકાય છે. સ્મિથને હવે મિલ્વાઉકી સ્વાસ્થ્ય વિભાગ, વિસ્કોન્સિન યુનિ. સ્કૂલ ઓફ મેડિસિનનો પણ સહકાર મળી રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The clinic will start a salon for the health of customers, with free checkup and also arranged medicine