Home Gujarati રાજકોટમાં વધુ એક 37 વર્ષના યુવાનને કોરોના પોઝિટીવ, 12 દર્દીના રિપોર્ટ નેગેટિવ,...

રાજકોટમાં વધુ એક 37 વર્ષના યુવાનને કોરોના પોઝિટીવ, 12 દર્દીના રિપોર્ટ નેગેટિવ, 4ના સેમ્પલ જામનગર મોકલાયા

88
0

રાજકોટ:રાજકોટમાં આજે વધુ એક પોઝિટીવ કેસ આવ્યો છે. 37 વર્ષના યુવાનને પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે રાજકોટમાં પોઝિટીવ કેની સંખ્યા વધીને 5 થઇ છે.જ્યારે 12 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હજુ 4 વ્યક્તિના સેમ્પલ જામનગ મોકલાયા છે. 11 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.હાલ 4 પોઝિટીવ દર્દીની સારવાર ચાલી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલામાં કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. 20 વર્ષીય યુવતીને કોરોના શંકાસ્પદ લાગતા તેને અમરેલી હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે. આ યુવતી વડોદરાથી આવી હતી. સેમ્પલ ભાવનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ કેસના સમાચારથી તંત્ર એલર્ટ બન્યું છે. આ અંગે કલેક્ટર આયુષ કોકે માહિતી આપી છે.

બિનજરૂરી બહાર નિકળતા લોકો પર ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે

લોકડાઉનના પગલે રાજકોટ પોલીસ એક્શન મૂડમાં આવી છે. બિનજરૂરી બહાર નિકળતા લોકો પર ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન કેમેરામાં ફોટો ખેંચી તપાસ માટે બોલાવવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ઘર બહાર શેરી-ગલીઓમાં ક્રિકેટ રમતા તથા ટોળે વળતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. ડ્રોન કેમેરામાં અનેક લોકો કેદ થયા છે.કોરોના સામે ખોડલધામ દ્વારા 21 લાખના દાનની જાહેરાત, મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવશે. આ અંગે ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ અને જીતુ વસોયા દ્વારા જાહેરાત કરાઇ છે. રાજકોટમાંથી દાનની સરવાણી યથાવત છે.

કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી

અનાજ સહિતની વસ્તુઓ તંગી ન સર્જાઈ તે માટે માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને અન્ય અનાજ ની હરાજી શરૂ કરાશે. બટાકા-ડુંગળીની હરરાજી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારની વિચારણા બાદ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શેરી ગલ્લીમાં રહેતા ફિઝિશિયન ડોક્ટર હાલ બંધ રાખવા લાગ્યા છે તેને પણ સૂચના આપશું કે સામાન્ય રોગમાં વિસ્તારવાસીઓને ઉપયોગી થાય.મહિલાઓને લોટ દળવા માટે મિલ શરૂ કરવામાં આવશે. અમુક લોકોને આવા પાસ ઇસ્યુ કરવામાં આવશે, જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેસ્ટોરન્ટ બંધ હોવાથી ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સ્વીગી અને ઝોમેટોના રાજકોટમાં 500-500 પોઇન્ટ હોવાથી અનાજ, કરિયાણાની ડિલિવરી શરૂ કરવામાં આવશે.કરિયાણાના દુકાનદારો, ફ્લોરમિલ ધારકો, રાઇસ મિલ અને દાળ મિલના વેપારીઓને પાસ આપવામાં આવશે. મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સમાં રજૂઆત બાદ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં 550 જેટલી ફ્લોરમિલ આવેલી છે.

કોરોના લોકડાઉન દરમિયાન ખુલ્લી રહેનારી કરીયાણા સહિતની દુકાનો પર મનપાએ સ્ટીકર લગાવ્યા

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન પીરીયડ દરમિયાન રાજકોટ શહેરમાં નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડ (એ.પી.એમ.સી.) સાથે સંકલન કરી લેવાયું છે અને માર્કેટિંગ યાર્ડમાંથી શહેરના લોકલ કરીયાણાની દુકાનોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવી લેવાઈ છે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, શહેરમાં કરીયાણાની જે જે દુકાનો ખુલ્લી રહેવાની છે તે દુકાન ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ લીલા રંગના સ્ટીકર લગાવ્યા છે અને તેમાં લખાયું છે કે, આ દુકાન લોકડાઉન સમય દરમ્યાન ચાલુ રહેશે. તેમજ આ દુકાનમાં પૂરતી માત્રામાં જથ્થો ફાળવવામાં આવશે.

18 માર્કેટિંગ યાર્ડમાંથી 18 ટ્રક દ્વારાકરિયાણાની દુકાનોએ શાકભાજી પહોંચેછે

કમિશનરે જણાવ્યું છે કે, એ.પી.એમ.સી. સાથે કરવામાં આવેલા સંકલન મુજબ કુલ 18 ટ્રક મારફત શહેરની કરીયાણાની દુકાનોએ શાકભાજીનો જથ્થો પણ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. શાકભાજીના ધંધાર્થીઓ જે તે કરીયાણાની દુકાનો પાસે પોતાના થડા લગાવી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઈઝ ટીમો સંકલન કરી રહી છે. જો કરીયાણાના વેપારી પોતે ઈચ્છે તો તે પણ કરીયાણાની સાથોસાથ શાકભાજી વેંચી શકશે.

રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા 10 હજાર કીટ તૈયાર કરવામાં આવી

રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા 10 હજાર કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં જમવાથી લઇ જીવન જરૂરિયાતની વસ્તુઓ રાખવામાં આવી છે. કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીના જેટી પર ફિલિપાઇન્સથી શીપ આવતા લોકોમાં દહેશતનો માહલો જોવા મળી રહ્યો છે. 25 ક્રૂ મેમ્બર ધરાવતું મોટું જહાજ આવતા ગભરાટ ફેલાયો છે. જહાજમાં સ્થાનિક મજૂરો દ્વારા કામ શકૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનની અપીલ બાદ પણ મોટી કંપનીઓ રિસ્ક લેતી હોવાની વાતો વહેતી થઇ છે. કોડીનાર આરોગ્ય વિભાગે ક્રૂ મેમ્બરોને ચકાસ્યા હોવાનો દાવો કર્યો છે.

રાજકોટ એરપોર્ટના જુનિયર એન્જિનિયર અને દુષ્કર્મના આરોપીને કોરોના શંકાસ્પદ

કોરોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનનો આજે 26 માર્ચે ચોથો દિવસ છે. રાજકોટમાં વધુ એક પોઝિટીવ કેસ આવતા લોકો જાગૃત બન્યા છે અને ઘરમાં જ પૂરાઇ રહ્યા છે. બીજી તરફ રાજકોટ એરપોર્ટના જુનિયર એન્જિનિયર અને દુષ્કર્મના આરોપીને કોરોના શંકાસ્પદ જણાતા બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બંનેના લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે લેબમાં મોકલી દીધા છે. એરપોર્ટના જુનિયર એન્જિનિયરને સખત તાવ આવતો હોવાથી પહેલા વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં કોરોના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સિવિલ ખસેડ્યા હતા. તેની ટ્રાવેલ હિસ્ટ્રીમાં તેઓ રાજસ્થાનથી તાજેતરમાં જ આવ્યા હતા. આથી એરપોર્ટ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આજે 26 માર્ચે NDRFની ટીમ દ્વારા માઇકમાં લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

રાજકોટ જેલમાં 1100ની કેપેસિટી સામે 1700 કેદીઓ

રાજકોટ સેન્ટ્રલ જેલમાં 1100 કેદીઓની કેપેસિટી હોવા છતાં હાલ 1700 કેદીઓને રાખવામાં આવ્યા છે. દુષ્કર્મના આરોપીને લક્ષણો દેખાતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપીનો ભાઇ તાજેતરમાં જ વિદેશથી આવ્યો હતો. તે તેના ભાઇને જેલમાં મળવા જતો હતો. આથી તેનો ચેપ લાગ્યાની શંકા સેવાઇ રહી છે. રાજકોટમાં દુષ્કર્મના કેસમાં આરોપીની 22 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ ભાજપના 40 કોર્પોરેટરોએ પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો. કુલ 6 લાખ રૂપિયા આપ્યા છે. ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને મેયર બીનાબેન આચાર્યએ જાહેરાત કરી છે.

નેપાળની યાત્રા કરીને આવેલા લોકોને પ્રવેશ ન મળ્યો

રાજકોટમાં નેપાળ સુધીની યાત્રાએ ગયેલા યાત્રિકો બુધવારે રાજકોટ પરત ફરતા હતા ત્યારે તેમને કુવાડવા નજીક અટકાવવામાં આવ્યા હતા. પોલીસે છ યાત્રિક બસને થંભાવી દઇ 300 લોકોનુંતબીબી પરીક્ષણ કરાવી તમામને હોમ ક્વોરોન્ટાઇન કર્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શહેરીજનો પર ડ્રોન કેમેરાથી નજર


રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ


ફિલિપાઇન્સથી જહાજ કોડીનાર આવ્યું


NDRFની ટીમ દ્વારા માઇકથઈ લોકોને ઘરે રહેવા અપીલ


રાજકોટ સિવિલ હોસ્પિટલની ફાઇલ તસવીર