Home Gujarati માતા-પિતા બંને પોઝિટિવ, 5 વર્ષની બાળકી નેગેટિવ: કોણ રાખે, કોણ સાચવે; એસવીપીના...

માતા-પિતા બંને પોઝિટિવ, 5 વર્ષની બાળકી નેગેટિવ: કોણ રાખે, કોણ સાચવે; એસવીપીના ડોક્ટરો-મ્યુનિ.-પોલીસે સાચવી અને કાકાને સોંપી

96
0

અમદાવાદ: કોરોના વાઇરસની મહામારી વધી રહી છે. ડોક્ટરો અને પોલીસકર્મીઓને સાચા રાષ્ટ્રરક્ષક કહેવામાં આવ્યા છે. જેને સાર્થક કરતો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. એસ.પી રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં પાંચ વર્ષની નાની બાળકી સાથે રહેતા એક દંપતીનો કેસ પોઝિટિવ આવ્યો છે. બંનેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાળકીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. દંપતીને પાંચ વર્ષની નાની બાળકીની સાર સાંભળનો પ્રશ્ન ઉભો થયો હતો. માતા-પિતા બંને બાળકીને લઈ ચિંતિત થયા હતાં. પરંતુ SVP હોસ્પિટલના ડોક્ટરો, AMC ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ અને એલિસબ્રિજ પીઆઈએ મદદ કરી બાળકીને તેના પરિવાર સુધી પોહચાડવા મદદ કરી છે.

ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની બાળકીની ચિંતા હતી
એસ.પી.રિંગ રોડ પર રહેતા અને પોતાની કંપની ધરાવતા વ્યક્તિને ત્રણ દિવસ પહેલા કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. તેની પત્ની અને બાળકીનો પણ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સોમવારે રાતે તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જયારે બાળકીનો નેગેટિવ આવ્યો હતો. પત્નીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની પાંચ વર્ષની બાળકીની ચિંતા થઈ હતી. બંને ખૂબજ ચિંતાતુર થઇ ગયા હતા અને મૂળ અમદાવાદના અને કેનેડામાં રહેતા તેમના મિત્રને કહ્યું હતું કે બાળકીને તારા માતા-પિતાના ઘરે લઈ જા. તેમના મિત્રના માતા-પિતા બાળકીને લેવા જતા હતા જો કે સોસાયટીના લોકોએ બાળકીને અહીંયા લાવવા પર વિરોધ કર્યો હતો. નાની બાળકી છે તેના માતા-પિતા હોસ્પિટલમાં છે તેને પરિવારની જરૂર છે તેવું કહેવા છતાં સોસાયટીના લોકો માન્યા નહતા.

બાળકીને સોસાયટીમાં પાર્કિગમાં ગાડીમાં આખી રાત સુવડાવી પડી હતી
જેથી ફરી તેના માતા-પિતા ચિંતામાં આવી ગયા હતા. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાંથી લઈ જવી જરૂરી હતી જેથી તેમના અન્ય એક મિત્રને ફોન કરી જાણ કરતા તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા અને બાળકીને લઈ ગયા હતા. જો કે બાળકીને ઘરે લઈ જાય તો ક્વોરન્ટીનમાં રાખવી પડે તેથી સોસાયટીમાં પાર્કિગમાં ગાડીમાં આખી રાત સુવડાવી પડી હતી. પોઝિટિવ આવેલા યુવકના મોટાભાઈ કચ્છમાં રહે અને તેઓ બાળકીની સારસંભાળ માટે અમદાવાદ આવવા તૈયાર થઈ ગયા હતા.

SVP હોસ્પિટલના ડોક્ટરે બાળકીને પોતાના ઘરે રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
જો કે રાજયમાં લોકડાઉન હોવાથી ઘરની બહાર કોઈ ન નીકળી શકે તેમ હતું. આવી પરિસ્થિતિમાં કેનેડામાં રહેતા તેમના મિત્રએ ટ્વીટર પર મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને ગુજરાત પોલીસને ટ્વીટ કરી મદદ માંગી હતી. ટ્વીટર પર ટ્વીટ થતાં લોકોએ મદદ કરવાની પહેલ કરી હતી તેમજ મદદ કરવા કહ્યું હતું. મોડી રાતે તાત્કાલિક AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે ટ્વીટર પર કેનેડામાં યુવકના મિત્ર સાથે સંપર્ક કરી બાળકીની સંભાળ અને મદદ કરવા ખાતરી આપી હતી. SVP હોસ્પિટલના એક ડોક્ટરે પણ બાળકીને પોતાના ઘરે રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ કચ્છથી યુવકના મોટાભાઈ આવવા તૈયાર હતા જેથી અમદાવાદ આવવા માટે પોલીસની મદદ લેવાઈ હતી.

યુવકના મોટાભાઈ કચ્છથીઅમદાવાદ આવવા નીકળી ગયા છે
એલિસબ્રિજ પીઆઈ અશ્વિન પટેલને જાણ કરવામાં આવી હતી. તેઓએ ફોન કરી અમદાવાદ આવવામાં પોલીસ રોકે તો તાત્કાલિક ફોન કરી જાણ કરવાનું કહી મદદ કરી હતી. આખરે વહેલી સવારે યુવકના મોટાભાઈ કચ્છ આવવા અમદાવાદ આવવા નીકળી ગયા છે અને 14 દિવસ તેઓ બાળકી સાથે અમદાવાદ તેના નાનાભાઈના ઘરે બાળકી સાથે ક્વોરન્ટીનમાં રહેશે. SVP હોસ્પિટલના ડોક્ટરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ પોલીસે આ પરિવારની મદદ કરી સાચી સમાજ સેવા અદા કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


child was separated from the parents due to the corona virus, police-hospital helps five year old child