Home Gujarati કાર બોનસમાં આપનાર દિલદાર સવજીભાઈને એક સમયે મહિને 169 રૂપિયા મળતો પગાર

કાર બોનસમાં આપનાર દિલદાર સવજીભાઈને એક સમયે મહિને 169 રૂપિયા મળતો પગાર

98
0

સવજીભાઈ ધોળકિયા 12 રૂપિયા ખર્ચીને એસટીમાં આવ્યા હતા સુરત, આજે 7 હજાર કરોડની હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સના માલિક

સુરતઃ દાનવીરો માટે સુરત જાણીતું છે. એમાં પણ આગળ પડતું નામ એટલે સવજીભાઈ ધોળકિયા. હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સના માલિક સવજીભાઈ ધોળિકિયાએ ગુરૂવારે તેમના 600 રત્નકલાકારોને સેલેરિયો અને ક્વિડ ગાડી બોનસ તરીકે આપી હતી. કંપની દર વર્ષે કારીગરો દ્વારા દર મહિને કરાતાં કામના વધુમાં વધુ 10 ટકા ઇન્સેન્ટિવ ભાગ રાખી તેમાંથી એકત્રિત ફંડ દ્વારા ઘર, કાર કે એફડી ગિફ્ટમાં આપે છે. થોડા દિવસ પહેલાં જ કંપનીએ 25 વર્ષ પૂર્ણ કરનાર 3 કર્મચારીઓને મર્સિડિઝ કાર ભેટ આપી હતી. ગયા વર્ષે કર્મચારીઓને મકાન અને કાર બોનસમાં આપવામાં આવ્યા હતા. આ રીતે છેલ્લાં ચાર વર્ષમાં કંપનીના 4000 રત્નકલાકારોને વિશેષ ઇન્સેન્ટિવ અપાયા છે.

અનોખી પ્રથા શરૂ કરનાર સવજીભાઈનું જીવન સંઘર્ષમય રહ્યું છે. તેમની સક્સેસ સ્ટોરી જિંદગીમાં નાની એવી મુશ્કેલીથી નાસીપાસ થતા લોકો માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડે એવી છે. સવજીભાઈએ વર્ષ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું, તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો, જ્યારે આજે તેમની કંપનીની નેટ વેલ્યૂ 7 હજાર કરોડ રૂપિયા છે.

12.50 રૂપિયા ખર્ચીને અમરેલીના ગામડાંમાંથી સુરત આવ્યા

સવજીભાઈ ધોળકિયા સવજી કાકાના નામે જાણીતા છે. અમેરલીના દુધાળા ગામના રહેવાસી સવજીભાઇ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો. હીરાનું કામ શીખ્યા અને થોડો સમય કારીગર તરીકે કામ કર્યા બાદ 1980માં પિતાએ 3900 રૂપિયા કારખાનું નાખવા આપ્યા હતા.

1980થી સંઘર્ષ શરૂ થયો,1 લાખ વ્યાજે લઇનેશરૂ કર્યું કારખાનું

સવજીભાઈએ 1980માં સુરતના મહિધરપુરા લીમડા શેરી ખાતે બે હીરાની ઘંટી શરૂ કરી હતી અને રૂપિયા 25 હજાર કમાણી કરી હતી. રૂપિયા 10 હજાર ઉછીના લઇને વરાછા રોડ ઘનશ્યામ નગરમાં રૂપિયા 35 હજારમાં મકાન ખરીદ્યુ હતું. સવજીભાઈએ બાદમાં મહિને એક લાખ રૂપિયા કમાવાનું લક્ષ્ય બનાવ્યું હતું. આ માટે 1 લાખ વ્યાજે લઇને નવેસરથી હીરાનું કારખાનું શરૂ કર્યું.

10 વર્ષ સુધી 18-18 કલાક મહેનત કરી

બાદમાં સવજીભાઈએ ક્યારેય પાછું વળીને જોયું નથી. સવજીભાઈ અને તેમના બે ભાઈઓ સતત દસ વર્ષ સુધી 18-18 કલાક મહેનત કરી અને હીરાની ઘંટીઓની સંખ્યા વધારતા ગયા હતા. રફ ખરીદી માટે એન્ટવર્પ કે બેલ્જીયમ જવાની હિંમત આવી ગઇ અને સીધી રફ લાવીને તૈયાર હીરા વેચવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં સવજીભાઈનો ડંકો વાગવા લાગ્યો. આજે તેમની કંપનીની નેટ વેલ્યૂ 7 હજાર કરોડ રૂપિયા છે. કંપનીમાં અંદાજે 6500 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

કર્મચારીઓને ઘર, મકાન અને જ્વેલરી આપી

15 વર્ષોના સંઘર્ષ બાદ હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સની સ્થાપના કરનાર સવજીભાઈને બોનસમાં કાર અને ઘર આપવાનો વિચાર ચાર વર્ષ પહેલા આવ્યો હતો. તે સમયે તેણે 10 લોકોને ભેટ સ્વરૂપે કાર આપી હતી. ત્યારબાદ તેમણે 100 કર્મચારીઓને ઇનામ આપ્યા હતા. 2014માં કુલ 1312 લોકો આ ઇનામ મેળવવા હકદાર બન્યા હતા. જ્યારે 2016માં દિવાળી બોનસમાં વધુ 1660 કર્મચારીઓને ઘર, મકાન અને જ્વેલરી આપી છે. આ વર્ષ 2018માં 600 કર્મચારીને કાર અને 900 કર્મચારીને એફડી આપી છે.

ડાયમંડ એન્જિનિયરોની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયા

હરેક્રિષ્ણા કંપની હાલ 50 કરતા વધારે દેશોમાં ડાયમંડ એક્સપોર્ટ કરે છે. હરેક્રિષ્ણા ડાયમંડના સાત દેશોમાં આઉટલેટ્સ છે. આ ઉપરાંત વિશ્વભરના 5૦૦૦ શો-રૂમોમાં ક્રિષ્ણા બ્રાન્ડ ડાયમંડ જ્વેલરી ઉપલબ્ધ છે. સવજી ધોળકિયા અનુસાર, તેમની કંપનીમાં કામ કરનારા કારીગરો અને ડાયમંડ એન્જિનિયરોની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયા છે.

પોતાના વતનમાં પોતાની માલિકીનું પ્લેન ઉતાર્યું

આજે જ્યાં સારી બસની સુવિધા નથી તેવા અમરેલી શહેરમાં સવજીભાઈએ પોતાની માલિકીનું પ્લેન ઉતાર્યું હતું. વતનના લોકોએ ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું. સાથે જ તેમને ગર્વ હતો કે માત્ર 7 ચોપડી ભણેલો માણસ આજે આ કક્ષાએ પહોંચ્યો છે. 12થી 55 વર્ષના સમયગાળામાં તેમણે અનેક સંઘર્ષનો સામનો કર્યો છે. ગામડાંમાં રહેતા ત્યારે નાટક જોવા માટે ટિકિટના 3 રૂપિયા પણ ન હતા. આ વાત યાદ આવી જતાં 10મીએ પ્લેનના પ્રારંભની ખુશીમાં તેમના વતન દૂધાળા ગામમાં રાજા ભરથરી નાટક શોનું પણ આયોજન કરાયું હતું, જેમાં તેમણે આખા ગામની સાથે બેસી નાટકની મજા માણી હતી. 42 વર્ષના સંઘર્ષ બાદ 12 વર્ષનો ટેણિયો આજે શેઠ બની ગયો છતાં પણ વતન પ્રેમ બરકરાર છે.

સવજીભાઈ ધોળકિયાએ બિઝનેસમાં સફળ થવાની ટીપ્સ આપી

સારા અને સાચા નિર્ણય લો :

મારી સુરતની બંને કંપનીમાં ટોટલ 6500થી વધુ કારીગરો કામ કરે છે. બધા કારીગરો માટે અમે નિર્ણય કર્યો કે અમે બધાનું લંચ સાથે કરીશું અને એનો ખર્ચ કંપની ઉપાડશે. નિર્ણયથી ઘણા ફાયદા થયા. મારી કંપનીના કર્મચારીઓના ઘરના બજેટમાં બચત થઈ, એમને કંપની માટે ટ્રસ્ટ ડેવલપ થયો તેમજ બધા કર્મચારીઓ માત્ર 45 મિનિટમાં જમી લેતા અને કામ શરુ કરી દેતા. લોકો ઘરે જવું નહી પડે એના કારણે રોજ 10 ટકા સમય પ્રોડક્શનમાં વધુ મળ્યો. એક ફાયદો પણ થયો કે ઘણા હિરા બપોર પછી બદલાઈ જતા. તે બંધ થઈ ગયું. જો એક ટાઈમ બધા કર્મચારીને સાથે જમાડવાથી આટલા બધા ફાયદા હોય તો એને નુકશાન નહીં ફાયદો કહેવાય. થોડું અલગ વિચારી જુઓ, મુશ્કેલીઓ નહીં આવે. જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ત્યારે વિચારો પર કાબુ રહેતો નથી. આવી પરિસ્થિતિમાં શાંત મગજથી લેવામાં આવતો નિર્ણય બેસ્ટ રિઝલ્ટ આપે છે.

એમ્પલોઇને ખુશ રાખો :

ઘણા લોકો બિઝનેસમાં આવે છે, પણ અમુક લોકો સફળ થાય છે. આમ થવાનું કારણ કે ખુશીઓનો અભાવ. મારી કંપનીની વાત કરું તો અમારી કંપનીનો કર્મચારી એક હીરાના 100 રૂપિયા મેળવતો હોય અને એક દિવસમાં 3 હિરા બનાવે છે. મેં એમને કહ્યું કે, હું તમને 100ની જગ્યાએ 110 આપીશ જો તું રોજના 3 હિરા બનાવીશ તો તને 30 રૂપિયા વધારે મળશે. લોકોને ખુશીની લાગણી થઈ. લોકો 3ની જગ્યાએ 4 હિરા બનાવવા લાગ્યા પણ ક્વોલીટી સાથે. મને તો ફાયદો થયો. જો કર્મચારી રોજના રૂટીન ટાઈમમાં પ્રોડક્શન વધારે કરે તો નુકશાન કશું નથી. હું પણ ખુશ કર્મચારી પણ ખુશ. તો પછી સફળતા કેમ નહી મળે?

તમારામાંથી ડર બહાર જશે ત્યારે આત્મવિશ્વાસ આ‌વશે:

મારા વડીલ ગોપાલભાઈની વાત કરું. દર વર્ષે પૈસા કમાતા અને દર વર્ષે પૈસા ખર્ચી પણ નાંખતા. એટલે મેં નક્કી કર્યું કે પૈસા કમાવાની અને કેવી રીતે નહીં ગુમાવવા તો એમની પાસેથી શીખવું પડશે. થોડા ઘાર્મિક સ્વભાવના એટલે મને કહ્યું કે, તારે 108 ભગવાનના નામના 11 લાખ પાઠ કરવા. હું મૂંઝાયો પણ એમની સલાહ ફોલો કરવાનું ચાલું કર્યું, સવારે બપોરે સાંજે ટુકડા ટુકડામાં પાઠ કરવા લાગ્યો, લોકો હસતા પણ ખરા. અને સાડા ત્રણ વર્ષે 12 લાખથી વધુ પાઠ પુરા થયા. એનાથી એક ફાયદો થયો. મને મારું કમિટમેન્ટ પૂરું કર્યાનો અહેસાસ થયો. મને એમ લાગ્યું કે સાડા ત્રણ વર્ષના પાઠ પછી મારા નિર્ણયો મારુ સારું કરશે એટલે ડર કાઢીને ફટાફટ નિર્ણય લેતો ગયો, લોકો કરે એવું પણ કર્યું અને એણે સફળતા અપાવી. જ્યારે તમારામાં ડર હશે ત્યારે આત્મવિશ્વાસ દૂર ભાગશે અને જ્યારે તમે ડરને બહારનો દરવાજો બતાવશો તો તમારો આત્મવિશ્વાસ આપોઆપ આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Diamond King Savjibhai Dholakia profile