Home Gujarati એપ્રિલ અને મે મહિનાના 11 દિવસના લગ્નના મુહૂર્તો રદ થયા, હવે છેક...

એપ્રિલ અને મે મહિનાના 11 દિવસના લગ્નના મુહૂર્તો રદ થયા, હવે છેક 30મી જૂને જ મેળ પડશે

140
0

કોરોનાએ આર્થિક મોરચે તો કેર વર્તાવ્યો જ છે, પરંતુ સામાજિક મોરચે પણ લોકોને મુંઝવણમાં મુકી દીધા છે. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે 14 એપ્રિલથી શરૂ થઈ રહેલી લગ્નની સિઝનમાં એપ્રિલ મહિનામાં ત્રણ દિવસના મુહૂર્ત છે, જે તમામ કાર્યક્રમો રદ થયા છે. તેની સાથે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પણ રદ થયા છે. મે મહિનાનું નક્કી નથી અને જૂનમાં 30મીએ છેલ્લુ મુહૂર્ત છે.

43 દિવસ જેટલાં જ લગ્નના મુહૂર્ત હતા

વિક્રમ સંવત 2076ના વર્ષમાં માંડ 43 દિવસ જેટલાં જ લગ્નના મુહૂર્ત હતા. તેમાં પણ ધનારક, હોળાષ્ટક અને મીનારકને કારણે લગ્નના દિવસો ઘટી ગયા છે. ત્યારે કોરોનાને કારણે લગભગ 11 દિવસ હાલમાં લગ્નના મુહૂર્તો રદ થયા છે. આગામી મે મહિનાના અંત સુધીમાં તમામ કાર્યક્રમો રદ થયા છે. જેના કારણે હવે લગ્નની સિઝન ફક્ત જુન મહિના પૂરતી છે, પરંતુ તેમાં પણ કોરોનાની સ્થિતિને કારણે જાહેર મેળાવડા પર શું નિર્ણય લેવાય તે હાલ નક્કી નથી. 13મીએ રાતે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે 16મીએ લગ્નનું પ્રથમ મુહૂર્ત હતું.

આવતા વર્ષની સિઝન 25 નવેમ્બરથી શરૂ થશે

મે મહિનામાં 19મી સુધીના તમામ કાર્યક્રમો રદ થયા છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે લગ્નના મુહૂર્તમાં વર-કન્યાની કુંડળી જોઈ તમામ બાબતોનો વિચાર કરી તારીખ નક્કી કરાય છે. આથી ઘણાં કિસ્સામાં તો એવું પણ બને કે મુહૂર્તનો મેળ ન પડે તો લગ્ન બીજી સિઝનમાં જતાં રહે. જૂન મહિનામાં છ દિવસ લગ્નના મુહૂર્ત છે. આ વર્ષે અધિક આસો મહિનો હોવાથી લગ્નની આવતા વર્ષની સિઝન 25 નવેમ્બરથી શરૂ થશે.

દીકરીના લગ્ન 17 મેએ હતા, લંબાવ્યા

મારી દીકરીના લગ્ન 17 મેના રોજ નક્કી કર્યા હતા. લગ્નની ખરીદી પણ કરી નાંખી હતી. માર્ચ મહિનામાં લગ્નની કંકોત્રી છપાવવાના હતા, ત્યાં લોકડાઉનની સ્થિતિ આવી. હવે લોકડાઉન લંબાયું છે, તો શું થશે તે નક્કી નથી. હાલની સ્થિતિને કારણે જૂનમાં પણ લગ્ન કરીએ તો માણસો ભેગા કરાશે કે નહીં તે નક્કી નથી. વેવાઈ સાથે પણ વાત કરી પણ હાલમાં અચોક્કતાને કારણે કોઈ નિર્ણય પર આવી શકતા નથી. લગ્ન તો સારી રીતે જ કરવા છે.
-પન્નાબેન વ્યાસ

ધંધાની સિઝન ખતમ થઈ ગઈ

એક તો આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા. તેમાં ગરમીના દિવસોમાં લગ્નો પણ ઓછા થાય. બાકી રહ્યું તે કોરોનાનો કેર આવ્યો. અમારા માટે તો ધંધાની સિઝન ખતમ થઈ ગઈ છે. મંડપ અને કેટરીંગના કોન્ટ્રાક્ટો પણ રદ થવા લાગ્યા છે. મે મહિના સુધી તો કંઈ થઈ શકે તેમ નથી. જુનમાં ખબર નહીં શું થશે. માણસો રાખ્યા છે, તેમને બેઠા ખવડાવવું પડે છે. આથી આ વર્ષે તો કમાવાની આશા જ નથી રહી. માણસોનો ખર્ચો નીકળે તો ઘણું.
– મુકેશ પટેલ, મંડપ કોન્ટ્રાક્ટર

પાર્ટી પ્લોટના બુકીંગ રદ કરાયા છે

કોરોનાને કારણે છેલ્લાં પંદર દિવસથી એપ્રિલ મહિનાના લગ્નના બુકિંગ રદ કરવાના ફોન આવી રહ્યાં છે. મેના અંત સુધીના કાર્યક્રમો રદ થઈ ગયા છે. જુન મહિનાનું નક્કી નથી. આના કારણે કેટરર્સથી માંડી તમામને તકલીફ પડી રહી છે. સરકારના આગામી આદેશ સુધી તમામ કાર્યક્રમો રદ કરાયા છે. જેમાં સામાજિક, ધાર્મિક અને લગ્નના તમામ લંબાયા છે.
– નીતિનભાઈ મહેતા, પાર્ટી પ્લોટના માલિક

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર