Home Business નવરાત્રિના કોસ્ચ્યુમનો રૂપિયા 200 કરોડનો ધંધો આ વરસે ઠપ, એકલા ગારમેન્ટ સેક્ટરને...

નવરાત્રિના કોસ્ચ્યુમનો રૂપિયા 200 કરોડનો ધંધો આ વરસે ઠપ, એકલા ગારમેન્ટ સેક્ટરને 60-70%નું નુકસાન થયું

16
0

ગરબા પરના પ્રતિબંધથી ખેલૈયાઓ નિરાશ થયા તો રાજ્યના ગારમેન્ટ, એસેસરીઝ બિઝનેસને પણ માતબર ખોટ થઈ

ગુજરાત સરકારે આ વર્ષે નવરાત્રિમાં જાહેર ગરબા આયોજનો પર પ્રતિબંધ મૂક્યો એ અગાઉથી જ અમદાવાદના ઘણા વેેપારીઓએ ૨થી ૩ લાખનો સામાન ભરી રાખ્યો હતો. પણ આજે સ્થિતિ એ છે કે આ માલનો લેવાલ શોધ્યો જડતો નથી. વેપારીઓ માલ વેચવા માટે ઑનલાઇન મુકે છે. લોકો ઈન્કવાયરી કરે છે પણ ખરીદતા નથી. કેટલાક વેપારીઓ જણાવે છે કે આ નોરતે હજાર રૂપિયાનો ધંધો પણ થતો નથી. જાણકારો અને વેપારીઓનું માનીએ તો, ગુજરાતમાં નવરાત્રિમાં કપડામાં વેપારીઓ 200 કરોડ રૂપિયાથી પણ વધારે ધંધો કરતા હોય છે. એકલા અમદાવાદમાં જ રેડીમેડ કપડાનો 30 કરોડ રૂપિયાનો ધંધો થતો હોય છે. આ વર્ષે ગરબા મોકૂફ રહેતા મફતના ભાવે ચણિયા ચોળી વેચવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં રાણીમા હજીરા પાસે વેપાર કરતાં અનિલ દરજી કહે છે કે, કોરોનાની મહામારીને કારણે આ વર્ષે નવરાત્રિમાં બિઝનેસ નથી બરાબર છે. સામાન્ય રીતે નવરાત્રિમાં 7 લાખ કે તેનાથી વધુ ધંધો થતો હોય છે. જ્યારે આ વખતે હિંમત કરી રૂપિયા બે લાખનો માલ તૈયાર કર્યો લેવા કોઈ આવતું નથી, ફક્ત ઓનલાઈન ઈન્કવાયરી કરે છે. અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે નવરાત્રિના વેપારમાંથી જ આખા વર્ષનો ખર્ચ નીકળી જતો હતો પણ આ વર્ષે એ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. એવા અનેક ગ્રાહકો રહેતા જે માસ્તર કોસ્ચ્યુમ અને એસેસરીઝ પાછળ 50-60 હજાર રૂપિયા ખર્ચતા પણ આ ‌વખતે આવા કોઈ ગ્રાહક રહ્યા નથી.

ડિઝાઈનર્સનું કહેવું છે કે આ વર્ષે તેમનો એક્સપોર્ટનો બિઝનેસ સૌથી વધુ છે. વિદેશમાં વસતા ગુજરાતીઓનો આ વર્ષે સૌથી વધુ ઓર્ડર આવ્યા છે. જેમાં કચ્છી અને સેમી કચ્છી વર્કનાં ચણિયા ચોળી વધુ લોકોએ ખરીદવા પસંદ કર્યા છે. હવે એસેસરિઝનાં બિઝનેસને જોઈએ નવરાત્રિમાં નવ દિવસ માટે લોકો ઓક્સોડાઈઝ અને કાપડમાંથી તૈયાર થતી જ્વેલરી ખરીદવી પસંદ કરતા હતા. આ જ્વેલરી નવરાત્રિ સિવાય અન્ય ટ્રેડિશનલ આઉટફિટમાં પહેરી શકાય તેવી હોય છે. ગારમેન્ટ બિઝનેસમાં જ્યારે 60 થી 70 ટકાનો ઘટાડો છે ત્યારે એસેસરીઝના વેપારીઓની હાલત પણ કફોડી બની છે.

  • અગાઉ ચણિયા ચોળી-કેડિયા પાછળ એક ગ્રાહક 50-60 હજાર રૂપિયા ખર્ચી નાખતા, આ વર્ષે અડધી કિંમતમાં પણ ગરબાના ડ્રેસ ખરીદતા ગ્રાહકો જડતાં નથી, જો કે વિદેશમાં એક્સપોર્ટ વધી

આ રીતે સેટ થતી હોય છે ફૂલ એસેસરીઝ
હેન્ડવર્ક કોસ્ચ્યુમ મોંઘા હોય છે. તેમાં પણ દુપટ્ટામાં કરાતા વર્કની કિંમતનો એક પેચ 5000 રૂપિયાનો હોય છે. જેટલુ ઝીણું વર્ક લો કે વધારે વર્ક લો એટલી કોસ્ટિંગ વધે છે. તો ગળામાં પહેરાતા સેટની કિંમત 5000ની હોય છે. જો બાજુ બંધ, કંદોરો, હાથ અને પગનાં પોહોંચોની, નથણી, બુટી, ટીકો વગેરેની કિંમત 8000થી શરૂ થતાં હોય છે.

અમદાવાદમાં જ ચણિયાચોળી વેપારનું ટર્ન ઓવર રૂ.5 કરોડ
ચણિયા ચોળીની વાત આવે એટલે તરત જ અમદાવાદમાં પહેલાં લૉ-ગાર્ડનનું નામ આવે છે. પછી, માણેકચોક અને રાણીનો હજીરો આવે છે. અહીં વર્ષોથી ચણિયા ચોળી વેચાતા હોય છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નવરાત્રીના આયોજન રદ થતા અમદાવાદીઓના નવરાત્રી બજારના વેપારીના વેચાણમાં 5 કરોડનો ફટકો પડ્યો છે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં ચણિયા ચોળીનું વેચાણ કરતા 100 જેટલા વેપારીઓ હાલ મંદીનો સામનો કરી રહ્યાં છે.

ચણિયા ચોળી 8થી 15 હજારની, હેન્ડવર્ક વધુ હોય તો 25 હજાર
અમે છેલ્લા ઘણા વર્ષોથી હેન્ડીક્રાફ્ટનાં આઉટફિટ તૈયાર કરીએ છીએ. જેમાં કચ્છી અને સેમી કચ્છી વર્કનો ચણિયા ચોળી તૈયાર કરીએ છીએ. આ ચણિયા ચોળીની કિંમત રૂપિયા 8 હજારથી શરુ થઈને 15 હજાર સુધીની હોય છે. પણ જો હેન્ડવર્ક વધુ કરાવું હોય તો 25 હજાર પણ થાય છે. આ વખતે ગુજરાત કરતા દિલ્હી અને મુંબઈ તરફ વઘુ એક્સપોર્ટ થયા છે. અમે 50 કારીગરો પાસે હેન્ડવર્ક કરાવી કચ્છી વર્ક શરૂ કરીએ છીએ. આ વર્ષે 30 થી 40 ટકાનો ઘટાડો છે. – યોગિતા અને મેઘલ પટેલ, મેઘ ક્રાફ્ટ, આર્ટિસન ડિઝાઈનર

માત્ર કેડિયા પાછળ 35 હજારનો ખર્ચ કરતા
સામાન્ય રીતે નવરાત્રિમાં કેડિયું કરાવવા લોકો ૩૫ હજાર ખર્ચી નાખે છે અને ચણીયા ચોળીનો આખો સેટ એસેસરીઝ સાથે 50થી 60 હજારમાં બનતો હોય છે.આ વર્ષે કોઈ માર્કેટ ના હોવાથી કોઈ ઓર્ડર પણ મળ્યા નથી. ઈન્કવાયરી આવી હતી પણ તેઓ પણ સરકારની ગાઈડલાઈનની રાહ જોતા હતા. – રાઘિકા મારફતિયા, કસ્ટમાઈઝ ડિઝાઈનર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here