Home Gujarati નરેશ કનોડિયાના નિધન પર PM મોદીનું ટ્વીટ: ‘નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું’

નરેશ કનોડિયાના નિધન પર PM મોદીનું ટ્વીટ: ‘નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું’

112
0

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ કલાકાર એવા નરેશ કનોડિયા (Naresh Kanodia)નું આજે સવારે નિધન થયું છે. કોરોના બાદ તેઓની સારવાર ચાલી રહી હતી. તેમના નિધનથી ફક્ત ગુજરાતી ફિલ્મી જગત (Dholiwood)ના લોકો જ નહીં પરંતુ વિશ્વભરમાં રહેતા તેમના તમામ ચાહકો દુઃખી છે. આ દુઃખની ઘડીમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુજરાતીમાં ટ્વિટ કરીને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા (Mahesh Kanodia) બંનેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે નરેશ કનોડિયાના અવસાનથી હું વ્યથિત છું.

પીએમ મોદીનું ટ્વીટ:

ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના…ઓમ શાંતિ!!

બીજા એક ટ્વીટમાં પીએમ મોદીએ મહેશ અને નરેશ કનોડિયા સાથે તેમની એક તસવીર પોસ્ટ કરી છે. સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “બે દિવસમાં આપણે મહેશભાઈ અને નરેશભાઈને ગુમાવી દીધા છે. ગુજરાતી ગીત, સંગીત અને થિયેટર ક્ષેત્રમાં તેઓનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણે સમાજ અને દલિતાનો ઉત્થાન માટે ખૂબ સારું કામ કર્યું છે.”

રામ-લક્ષ્મણની દુનિયાને અલવિદા

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નરેશ અને મહેશની જોડીને રામ-લક્ષ્મણની જોડી ગણવામાં આવતી હતી. આને સંયોગ કહો કે બીજું કંઈ પરંતુ મોટાભાઈ મહેશ કોનોડિયાના નિધનના 48 કલાકમાં જ નાનાભાઈ નરેશ કનોડિયાનું નિધન થયું છે. બંનેની જોડીએ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમ આપ્યાં છે. મહેશ કનોડિયા ઘણા લાંબા સમયથી બીમાર હતા. મહેશ અને નરેશ કનોડિયાની જોડીએ આજીવન સાથે જ કામ કર્યું છે અને સંયોગ એવો થયો કે બંનેનું નિધન પણ સાથે થયું છે.

નરેશ કનોડિયાની સફળ ફિલ્મો

નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 50 વર્ષથી વધુ સુધી કામ કર્યું છે. અંદાજ પ્રમાણે તેમણે 125થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. ‘હિરણને કાંઠે’, ‘મેરૂ માલણ’, ‘ઢોલામારુ’, ‘મોતી વેરાણા ચોકમાં’, ‘વણઝારી વાવ’, ‘તમે રે ચંપો ને અમે કેળ’, ‘જોડે રહેજો રાજ’ વગેરે ફિલ્મોમાં લોકો તેમનો અભિયન ક્યારેય નહીં ભૂલે.

નરેશ કનોડિયા વિશે

નરેશ કનોડિયાનો જન્મ 20મી ઓગસ્ટ, 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામ ખાતે થયો હતો. તેમણે ‘વેલીને આવ્યા ફૂલ’થી અભિયન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ગુજરાતી ફિલ્મમાં સ્નેહલતા સાથેની તેમની જોડી દર્શકોને ખૂબ જ પસંદ પડતી હતી. તેમના પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ અભિનેતા છે અને હાલ તેઓ ઇડર વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. હિતુ કનોડિયાએ ગુજરાતી અભિનેત્રી મોના સાથે લગ્ન કર્યાં છે.