Home Uncategorised ઘરમાં કોરોનાના દર્દીની સારવાર ચાલતી હોય તો બાકીના સભ્યોએ સુરક્ષિત રહેવા શું...

ઘરમાં કોરોનાના દર્દીની સારવાર ચાલતી હોય તો બાકીના સભ્યોએ સુરક્ષિત રહેવા શું કરવું?

131
0

કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે જ રહીને સારવાર કરી શકે છે. આ દરમિયાન પરિવારના બાકીના સભ્યોને ચેપ ના લાગે તેના માટે કેટલીક બાબતોનું પાલન કરવું જરૂરી છે.

કોરોના મહામારી સાથે છેલ્લા 9 મહિના મુશ્કેલીભર્યા રહ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત થવાના ડરે લોકોને પરેશાન કરી મૂક્યો છે અને વૈજ્ઞાનિકો પણ આનો તોડ શોધવા માટે દિવસ-રાત મથી રહ્યા છે. કોરોના વાયરસ કઈ સપાટી પર કેટલાક કલાકો સુધી જીવતો રહી શકે અને કઈ ઉંમરના લોકો માટે કેટલો ઘાતક છે તે સહિતની ઘણી માહિતી રોજેરોજ સામે આવી રહી છે. જો કે, અત્યાર સુધીમાં એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે સંક્રમિત વ્યક્તિના શ્વાચ્છોશ્વાસમાંથી નીકળતા છાંટા દ્વારા બીજા વ્યક્તિને ચેપ લાગે છે. તમે ઘરની બહાર તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકો છો પરંતુ જો પરિવારના કોઈ સભ્યને જ ચેપ લાગે અને તે હોમ આઈસોલેશનમાં હોય ત્યારે તમારે જ ધ્યાન રાખવું પડે છે. આ દરમિયાન શું સાવધાની રાખશો?

જ્યારે તમારા ઘરના જ કોઈ સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને તે હોમ આઈસોલેશનમાં હોય તો પરિવારમાં બીજા કોઈને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આ કપરી ઘડીમાં માત્ર સંક્રમિત વ્યક્તિ જ નહીં તમારા પોતાનું પણ ધ્યાન રાખવાની જવાબદારી આવી પડે છે. આ સમયે તમે પોતે તંદુરસ્ત રહો એ જરૂરી છે અને તેના માટે સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જો તમારા ઘરમાં કોઈ કોરોના પોઝિટિવ દર્દી હોય તો આ બાબતોની ખાસ કાળજી લેવી.

સૌથી પહેલી વસ્તુ છે ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું, જો ઘર નાનું હોય તો આમ કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. દૂર રહેવાનો મતલબ છે કે, સંક્રમિત વ્યક્તિએ વાપરેલી અને સ્પર્શેલી વસ્તુઓથી પણ દૂર રહેવું. સુનિશ્ચિત કરો કે તમારા બેડરૂમ, બાથરૂમ અને અન્ય વસ્તુઓ અલગ-અલગ હોય. તમે સંક્રમિત વ્યક્તિને જરૂરી તમામ વસ્તુઓ આપીને ઘરના એક રૂમમાં રાખી શકો છો. આમ કરવાથી વાયરસને ફેલાતો રોકી શકાય છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિ માટે યોગ્ય હવા-ઉજાસવાળો રૂમ જરૂરી છે.

કોરોના સંક્રમિત વ્યક્તિને અલગ રૂમમાં રાખવાથી તમારું કામ પૂરું નથી થઈ જતું. નાની સરખી પણ ચૂક ગંભીર સાબિત થઈ શકે છે. માટે જ તમારી અંગત સ્વચ્છતાને હળવાશમાં ના લો. કોઈપણ સપાટીને સ્પર્શ્યા પછી હાથ બરાબર ધોઈ નાખો અને આસપાસની વસ્તુઓને સ્વચ્છ રાખો. જ્યારે પણ તમે કોરોના સંક્રમિત વ્યક્તિની નજીકમાં હોવ ત્યારે માસ્ક અને ગ્લવ્ઝ પહેરેલા રાખો. જ્યારે પણ દર્દીને દવા અથવા ભોજન આપવા જાવ ત્યારે માસ્ક અને ગ્લવ્ઝ પહેર્યા હોય તે સુનિશ્ચિત કરો.

આ સમયગાળામાં સ્વચ્છતા એવી બાબતે છે જેના પ્રત્યે બેદકારી ના દાખવી શકાય. તમારી આસપાસની વસ્તુઓ અને જગ્યાને વારંવાર સાફ કરતા રહો. ઘર સાફ રાખો. સફાઈ માટે ઈસોપ્રોપેલ આલ્કોહોલ અથવા બ્લીચ સોલ્યુશનવાળું ડિસઈન્ફેક્ટન્ટ રાખો. દર્દી દ્વારા વારંવાર સ્પર્શ થતી વસ્તુઓ જેવી કે, વોશરૂમ, દરવાજા, ફોન, રિમોટ વગેરેને થોડા થોડા સમયે સેનિટાઈઝ કરવું જરૂરી છે. વધારે વખત આ વસ્તુઓને સેનિટાઈઝ ના કરી શકતા હો તો દિવસમાં બેવાર તો અચૂક કરવી.

જ્યારે તમે દર્દીની સંભાળ રાખતા હો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન તેનામાં જ હોય છે. પરંતુ આ સમયમાં પોતાની કાળજી લેવાની પણ જરૂર છે. આ સમય દરમિયાન પૌષ્ટિક આહાર લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવો. દર્દી માટે પણ આ વાત લાગુ પડે છે. વિટામિન C, વિટામિન A અને ઝિંક ધરાવતી વસ્તુઓ ડાયટમાં સામેલ કરો. હેલ્ધી ડાયટ લેવાથી રિકવરી ઝડપી બને છે.

આવી કપરી પરિસ્થિતિમાં હો ત્યારે સ્ટ્રેસ અને ભય અનુભવાય તે વ્યાજબી છે. જ્યારે પણ તમને લાગે કે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે ત્યારે મૂંઝાયા વિના ખુલ્લા મને તમારા ડૉક્ટર સાથે વાત કરો. તમારા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે આ વાત લાગુ પડે છે. આ સ્થિતિ દરમિયાન અંતે તો ચોક્કસ અને સાચી સલાહ તો ડૉક્ટર જ આપી શકે છે.