Home Bollywood આવતીકાલથી ખુલી રહ્યા છે થિયેટરો, ‘તાનાજી’થી ‘કેદારનાથ’ સુધી આ ફિલ્મો થશે ફરી...

આવતીકાલથી ખુલી રહ્યા છે થિયેટરો, ‘તાનાજી’થી ‘કેદારનાથ’ સુધી આ ફિલ્મો થશે ફરી રિલીઝ

222
0

લાંબા સમયથી સિનેમા લવર્સ થિયેટરો ખુલવાની રાહ જોઈને બેઠા હતા. 15 ઓક્ટોબરે તેમની આતુરતાનો અંત આવશે. નવી ફિલ્મોની સાથે કેટલીક અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો પણ ફરી થિયેટરમાં જોઈ શકાશે.

15 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ફરી ખોલવાની મંજૂરી સરકાર તરફથી મળી ગઈ છે. કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી દેશભરમાં થિયેટરો બંધ હતા. લોકડાઉનના લીધે મોટા બજેટની ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. જો કે, હવે થિયેટરો 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી અપાઈ છે ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મો મોટા પડદે જોઈ શકાશે. વાંચો, કઈ ફિલ્મો મોટા પડદે ફરી રિલીઝ થશે.

તાનાજી: ધ અનસંગ વૉરિયર
ઓમ રાઉતની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ ફરી એકવાર રૂપેરી પડદે રિલીઝ થઈ રહી છે. અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ 4 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઈ હતી. બોક્સ-ઓફિસ પર ફિલ્મે ધૂમ કમાણી કરી હતી. દર્શકો અને ક્રિટિક્સ તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મ ફરી રિલીઝ થઈ રહી છે ત્યારે કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહેશે.

કેદારનાથ
અભિષેક કપૂરની ફિલ્મ ‘કેદારનાથ’માં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને કામ કર્યું હતું. આ ફિલ્મથી સારાએ બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી અને દર્શકો તેમજ ક્રિટિક્સ તરફથી હકારાત્મક રિસપોન્સ મળ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી આ ફિલ્મ તેના ફેન્સ માટે થિયેટરમાં ફરીવાર જોવી લ્હાવો હશે. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. કોરોના મહામારી છતાં આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવાની માગ ઉઠી હતી.

થપ્પડ
તાપસી પન્નુ સ્ટારર ‘થપ્પડ’ આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી. અનુભવ સિન્હાની આ ફિલ્મ પોતાના વિષયને લીધે ચર્ચામાં રહી હતી. જો કે, બોક્સ-ઓફિસ પર પ્રદર્શન મધ્યમ રહ્યું હતું. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે વખાણી હતી. આ ફિલ્મમાં તાપસી ઉપરાંત પવીલ ગુલાટી, દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ સહિતના કલાકારો મહત્વના રોલમાં હતા.

મલંગ
7 ફેબ્રુઆરી 2020ના રોજ મોહિત સૂરીની ફિલ્મ ‘મલંગ’ રિલીઝ થઈ હતી. ફિલ્મનો દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર, કુણાલ ખેમૂ સહિતના એક્ટર્સ પણ મહત્વના રોલમાં હતા. ડાયરેક્ટરે આ ફિલ્મની સિક્વલ બનાવવાનું વચન આપ્યું છે.