ઓરિસાના કટક શહેરમાં માતાપિતા સાથે કોઇ મુદ્દે ઝઘડો થતાં ગુસ્સે થઇને ઘેરથી ભાગી ગયેલી સગીરાને એક વ્યક્તિએ બસ સ્ટેન્ડ પરથી ઝડપી હતી અને એક પોલ્ટ્રી ફાર્મ પર લઇ ગયો હતો. ત્યાં આ છોકરી પર સતત બાવીસ દિવસ સુધી ગેંગરેપ થતો રહ્યો.
પોલીસે જણાવ્યા મુજબ ઓએમપી સ્ક્વેર પરના એક બસ સ્ટેન્ડ પર આ સગીરાને એક વ્યક્તિએ મદદ કરવાને બહાને ઝડપી હતી. આ યુવક સગીરરાને ચૌલીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગાતિરૌતપટના નામના ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લઇ ગયો હતો. ત્યાં એને એક ઓરડામાં પૂરી રાખીને એ તથા એનો સાથીદાર સતત બાવીસ દિવસ સુધી રેપ કરતા રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે અમને બાતમી મળતાં અમે એ પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડવા ગયા હતા. શરૂમાં કોઇ ગેરસમજને લીધે ગામના લોકોએ પોલીસ સાથે અથડામણ કરી હતી. ત્યારબાદ પોલીસે આ સગીરાને બચાવી લીધી હતી. એને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી. એક આરોપી ઝડપાઇ ગયો હતો. બીજો એક નાસતો ફરતો હતો. નાસતા ફરતા યુવકને ઝડપી લેવા પોલીસે એક ખાસ ટુકડી બનાવી હતી.
સગીરાને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા એક અનાથાલયમાં મોકલી આપવામાં આવી હતી. આ મુદ્દે વિપક્ષ એવા ભાજપે કોંગ્રેસી શાસનની આકરી ટીકા કરી હતી. ભાજપના રાજ્ય કક્ષાના મહાસચિવ લેખીશ સમરસિંઘરે નવીન પટનાઇકની સરકાર મહિલાઓના રક્ષણમા નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કર્યા હતા.