Home Gujarati નશાનો કારોબાર:સુરતમાં એક જ દિવસમાં 3 અલગ-અલગ જગ્યાએથી 1.33 કરોડનું MD ડ્રગ્સ...

નશાનો કારોબાર:સુરતમાં એક જ દિવસમાં 3 અલગ-અલગ જગ્યાએથી 1.33 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, 3ની ધરપકડ

207
0

  • ડુમસ, સરથાણા અને વરાછા વિસ્તારમાંથી ડ્રગ્સ વેચનારને ઝડપી લીધા
  • પુણા ગામમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે ટ્રકમાંથી ત્રણને ઝડપ્યા

છેલ્લા થોડા દિવસોથી સુરતમાંથી પ્રતિબંધિત MD(મેફેડ્રોન ડ્રગ્સ)નો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે. યુવાનો નશાની લતના શિકાર ન બને એ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ કરી હતી, જેમાં એક દિવસમાં 1.33 કરોડના ડ્રગ્સ વેચવા જતાં અને પોતાની પાસે રાખનારા ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યાં છે. સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું કે, નશાનો કારોબાર કરનારા તમામને ઝડપી લેવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે..

ડુમસથી કરોડ રૂપિયાનાં ડ્રગ્સ સાથે સલમાન ઝડપાયો
ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરી (રહે. એ-203 આશિયાના કોમ્પ્લેક્સ અડાજણ પાટિયાસ ન્યૂ રાંદેર રોડ)ને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે આદિલ નામના શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સલમાન પાસેથી પોલીસે 1011.82 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત અંદાજે 1.1 કરોજતથા મોબાઈલ ફોન નંગ 5 કુલ કિંમત 38,000 તથા રોકડા રૂપિયા 12,710 તથા ડિજિટલ વજન કાંટા નંગ-2 તથા કાર સહિત કુલ 1.4 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સલમાન સાથે ધંધામાં ભાગીદાર એવા આદિલને વોન્ટેડ જાહેર કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરાછામાંથી બન્ટી ઝડપાયો
વરાછા ભવાની સર્કલ નજીક પટેલનગરના નાકે જાહેરમાંથી આરોપી વિનય ઉર્ફે બન્ટી કિશોરભાઈ પટેલ (રહે. ઘર નંબર એ-24 પટેલનગર, ભવાની સર્કલ નજીક, વરાછા) મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો છે, જ્યારે રોહન (રહે. બોરીવલી-મુંબઈ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી કુલ 17.5 ગ્રામ અંદાજે કિંમત 1.75 લાખ, નાની-મોટી ખાલી કોથળીઓ નંગ 26 મોબાઈલ, કાર મળી કુલ 8.90 લાખનો મુદ્દામાલ ઝડપી લઈને રોહનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સરથાણાથી સંકેતને ઝડપી લેવાયો
ડીસીબીએ સરથાણા કેનાલ રોડ પર આવેલા પુણા સીમાડાના શાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 107,108માંથી સંકેત શૈલેશ અસલાલિયા (રહે. એફ-202, રામેશ્વરમ રિજન્સી, વીઆઈપી સર્કલ પાસે ઉતરાણ, મૂળ રહે. છાભાડિયા રોડ, દામનગર, તા.લાઠી, જિ. અમરેલી)ને ઝડપી લીધો છે, જ્યારે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 304.98 ગ્રામ જથ્થો, જેની કિંમત અંદાજે 30.49 લાખ તથા મોબાઈલ ફોન રોકડા મળી કુલ 31.22લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, સાથે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પુણામાંથી ગાંજો ઝડપાયો
પુણાગામ સારોલી રોડ પર નેચરવેલી હોમ્સ પાસેથી પોલીસે ટ્રકમાંથી મિથુન રવીન્દ્ર સ્વાઈ, રહે- પ્લોટ નંબર 260 શ્રીરામનગર સોસાયટી, કાપોદ્રા, મૂળ રહે. ગુંટુપુરા તા. આસ્કા, જિ.ગંજામ અને બીજો આરોપી ટુંકના ચન્દ્રમણિ ગૌંડા રહે. ગામ મુકુંદપુર, પોસ્ટ બરગ, તા. આસ્કા, જિં ગંજામ અને ત્રીજો બસંત યુધિષ્ઠિર સ્વાઈ રહે. ગામ કુટીનોડા તા. આસ્કા, જિ.ગંજામ પાસેથી 562.510 કિલો ગાંજો, જેની અંદાજે કિંમત 56.45 લાખ અને ટ્રક તથા મોબાઈલ ફોન મળી કુલ 63.55 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંજો છુપાવવા કેબિન બનાવી હતી
પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ટ્રકમાં કોઈને ખબર ન પડે તેવી રીતે ગાંજો છુપાવવામાં આવ્યો હતો. ચોરખાનું બનાવીને ગાંજો છુપાવી રાખવામાં આવ્યો હતો. પોલીસે સંપૂર્ણ ટ્રકનું નિરીક્ષણ કર્યા બાદ ગાંજો પકડવામાં સફળતા મળી હતી.

પોલીસનું સન્માન કરાશે
ક્રાઈમ બ્રાંચ દ્વારા જે પ્રકારે પ્રશંસનિય કામગીરી કરવામાં આવી છે. તેને લઈને પોલીસ કમિશનરે કહ્યું કે, ડ્રગ્સ પકડનાર પોલીસ વિભાગનું પ્રશંસા પત્ર આપીને સન્માન કરવામાં આવશે.

શહેરમાંથી ડ્રગ્સનું નામોનિશાન નાબૂદ કરીશું-પોલીસ કમિશનર
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, અમે નશાનો કારોબાર સંપૂર્ણ નાબૂદ કરવા માંગીએ છીએ. સરકાર પણ એ જ ઈચ્છે. આ સ્પેશિયલ ડ્રાઈવર નશાનો કારોબાર નાબૂદ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આગામી દિવસોમાં અમને ડ્રગ્સ વિરૂધ્ધ લડવા માટે શાળા કોલેજના શિક્ષકો, ડ્રગ્સ એડિકટના મિત્રો, સામાજિક સંસ્થાઓ મદદ કરશે તો અમે વહેલી તકે આ કારોબાર બંધ કરાવી દઈશું. ડ્રગ્સ એ ખુશી અને શાંતિ હણી લે છે. એટલે યુવા ધનને આ રસ્તે જતા અટકાવવું ખૂબ જરૂરી હોય તમામ લોકો સાથ સહકાર આપે તેવી આશા પોલીસ કમિશનરે વધુમાં વ્યક્ત કરી હતી.