Home Bollywood ડ્રગ કેસમાં હવે અભિનેતા વિવેક ઓબેરોયની પત્નીને ક્રાઈમ બ્રાંચે ફટકારી નોટિસ

ડ્રગ કેસમાં હવે અભિનેતા વિવેક ઓબેરોયની પત્નીને ક્રાઈમ બ્રાંચે ફટકારી નોટિસ

140
0

સેંડલવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધીમાં અનેક મોટા નામો સામે આવ્યા છે. આ મામલે કેટલાક પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ કેસમાં અભિનેત્રી રાગિની દ્વિવેદી અને સંજના ગલરાનીની ધરપકડ કરવામાં આવી હતી. કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલ્લ્વાના દિકરા આદિત્ય અલ્વા પર પણ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિંગર અને અભિનેતાની કથિત ડ્રગ્સ સપ્લાઈ કરવાનો આરોપ છે.

હવે સેંડલવુડ ડ્રગ કેસમાં ભાઈ આદિત્ય અલ્વાના કનેક્શનને ધ્યાનમાં રાખતા સિટી ક્રાઈમ બ્રાંચ બેંગલુરૂ એ પ્રિયંકા અલ્વા ઓબેરોયને નોટિસ ફટકારી છે. પ્રિયંકા અલ્વા અભિનેતા વિવેક ઓબેરોયની પત્ની છે. આદિત્ય અલવા સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો છે અને તે છેલ્લાં એક મહિનાથી ફરાર છે. આદિત્ય અને પ્રિયંકા ભાઈ-બહેન છે. માટે જ આદિત્ય સાથેના કનેક્શન અંગે બેંગ્લુરુ સિટી ક્રાઈમ બ્રાન્ચે પ્રિયંકાને નોટિસ આપી છે.

આદિત્ય પર આક્ષેપ છે કે તેણે પોતાના હેબ્બલ લેક સ્થિત ફાર્મહાઉસમાં અનેક રેવ પાર્ટી યોજી હતી અને અહીંયા સેન્ડલવૂડ સાથે જોડાયેલા અનેક સેલેબ્સ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

આ અગાઉ ગઈ કાલે જ બોલિવૂડના જાણિતા અભિનેતા વિવેક ઓબેરોયના મુંબઈના જુહૂ સ્થિત ઘરે બેંગ્લુરુ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે વિવેકના ઘરે તપાસ કરી હતી . 15 ઓક્ટોબરના રોજ બપોરે એક વાગ્યે બેંગ્લુરુ પોલીસના બે ઈન્સ્પેક્ટર અભિનેતાના ઘરે આવ્યા હતા અને વિવેકની પત્ની પ્રિયંકાની પૂછપરછ કરી હતી. બેંગ્લુરુ પોલીસ સેન્ડલવૂડ ડ્રગ રેકેટ કેસમાં વિવેકના સાળા આદિત્ય અલવાને શોધી રહી છે. સૂત્રોના મતે પોલીસને શંકા છે કે આદિત્યને ભગાડવામાં તેની બહેન એટલે કે વિવેકની પત્ની પ્રિયંકાએ મદદ કરી છે.

દરોડા દરમિયાન પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં આદિત્ય ફરાર છે. અમને માહિતી મળી હતી કે અલવા વિવેક ઓબેરોયના ઘરમાં છુપાયેલો છે. તેને શોધવા માટે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા.

ચકચારી સેન્ડલવૂડ ડ્રગ રેકેટ કેસમાં 4 સપ્ટેમ્બરના રોજ રાગિનીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાગિનીનો પહેલો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે પોતાના સેમ્પલ સાથે ચેડાં કર્યાં હતાં. રાગિની ઉપરાંત કન્નડ એક્ટ્રેસ સંજના ગલરાનીની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે આ તપાસનો રેલો છેક અભિનેતા વિવેક ઓબેરોયના ઘર સુધી પહોંચ્યો છે.