Home Gujarati કોલસેન્ટર માફિયા:નીરવ રાયચુરાની એક IPS સાથે સ્વિમિંગ પૂલમાં મિત્રતા થઈ અને કોલસેન્ટર...

કોલસેન્ટર માફિયા:નીરવ રાયચુરાની એક IPS સાથે સ્વિમિંગ પૂલમાં મિત્રતા થઈ અને કોલસેન્ટર કૌભાંડની શરૂઆત થઈ, તેની પત્ની પણ આરોપી

160
0

કોલસેન્ટર કૌભાંડનો પાયો નાખનાર નીરવ રાયચુરા વૈભવી લાઈફસ્ટાઇલ માટે જાણીતો હતો. કોલસેન્ટરની આંધળી કમાણી માટે તેને એક IPS અધિકારીની મદદ મળી અને તેની કમાણી ટોપ ગિયરમાં આવી ગઇ હતી. સેગી ઉર્ફે સાગર ઠાકરને કોલસેન્ટરનો એ-ટુ-ઝેડ પાઠ નીરવ રાયચુરાએ શીખવ્યો હતો અને સેગી પાછળથી નીરવના કોન્ટેક્ટ અને સ્ટાઇલથી કામ કરવા માંડ્યો હતો. આ આખા કોલસેન્ટર કૌભાંડની શરૂઆત અમદાવાદના એક સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખવા જતી વખતે IPS અધિકારી સાથે હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

ગુજરાતના એક IPS અધિકારી પણ ચર્ચામાં આવ્યા
કોલસેન્ટર કૌભાંડમાં સેગી ઉર્ફે સાગર ઠાકર અન્ય રાજ્યની પોલીસ તપાસમાં સામે આવ્યો ત્યારે ગુજરાતના એક IPS અધિકારી પણ ચર્ચામાં આવ્યા હતા, પણ કોઇ કારણસર સેગી સીધો પોલીસના હાથમાં આવ્યો ન હતો. હાલ સેગીને કોલસેન્ટરના પાઠ ભણાવનાર નીરવ રાયચુરા પોલીસ કસ્ટડીમાં છે, પણ તેની વૈભવી લાઇફસ્ટાઈલ જોઇને પોલીસ પણ ચોંકી ઊઠી છે.

દારૂ ખરીદવા નીરવ વિદેશ જતો હતો
માહિતી પ્રમાણે સ્પેશિયલ દારૂની બોટલ ખરીદવા માટે નીરવ વિદેશ જતો હતો. એટલું જ નહીં, ડ્યૂટી ફ્રી શોપ પરથી તે દારૂ ખરીદીને પોતાના બારમાં સજાવતો હતો. નીરવ રાયચુરાએ જ્યારે કોલસેન્ટર કૌભાંડની શરૂઆત કરી ત્યારે તેના કોઇ કોન્ટેક્ટ ન હતા, પરંતુ તે રોજ સવારે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવા જતો હતો ત્યારે એક પોલીસ અધિકારી પણ ત્યાં આવતા હતા અને તેણે નીરવને મદદ કરી અને તે કોલસેન્ટરનો બાદશાહ બની ગયો હતો.

કોલસેન્ટર પર કોઈ પોલીસ પહોંચે તો તેની સીધા અધિકારી વાત કરાવી દેતો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ અધિકારીની વગના કારણે નીરવના કોલસેન્ટર પર કોઇ પોલીસ જાય તો તે તેની વાત સીધી પોલીસ અધિકારી સાથે વાત કરાવી દેતો હતો. આ દરમિયાન સેગી પણ નીરવ સાથે કોન્ટેક્ટમાં હતો, પણ નીરવનો એ દરમિયાન સ્પોર્ટ્સ બાઈક પર અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત થયા બાદ ઘણા સમય સુધી નીરવ નિષ્ક્રિય રહ્યો, જેનો લાભ સેગીએ લીધો અને તે નીરવના કોન્ટેક્ટનો ઉપયોગ કરવા માંડ્યો હતો. તેણે પોલીસ અધિકારી સાથે હાથ મિલાવી લીધા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

વર્ષ 2016થી અમદાવાદ કોલસેન્ટરના માફિયામાં જેની ગણતરી થાય છે એવા નિરવ રાયચુરા સામે આનંદનગર પોલીસ દ્વારા કરવામાં આવેલા દારૂની મહેફિલ કેસમાં જામીન મળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘરમાં ગેરકાયદેસર દારૂનો બાર અને દારૂ રાખવામાં બાબતે કરેલા કેસમાં ધરપકડ કરી છે. એલસીબીએ પૂછપરછ કરતા નિરવ પોતે વિદેશ ગયો હતો અને ત્યાંથી જ દારૂ લાવયો હોવાનું રટણ કરી રહ્યો છે જો કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, નિરવ ઘરમાં બાર બનાવી પોતે મિત્રો અને ઘરના સંબંધીઓ સાથે બેસી દારૂની મહેફિલ માણતો હતો. નિરવની પત્ની પણ કેસમાં ફરાર છે ત્યારે તેને પકડવા માટે ટીમો રવાના કરાઈ છે. નિરવને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવે તેવી શકયતા છે.

શહેરમાં ચાલતા અનેક કોલસેન્ટરના કૌભાંડો ઝડપાઇ શકે
આનંદનગર પોલીસે નિરવના જપ્ત કરેલા ફોનમાંથી અનેક કોલસેન્ટરની લીડ મળી આવી છે. કોલસેન્ટરનો ડેટા પોલીસને મળતાં આગામી દિવસોમાં ફરી મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે. શહેરમાં ચાલતા અનેક કોલસેન્ટરના કૌભાંડો ઝડપાઇ શકે છે. પોલીસને મોબાઇલમાંથી અનેક ક્રિકેટ અને ફૂટબોલના સટ્ટાના વ્યવહારો તેમજ 10,000 ડોલરની ક્રિપ્ટો કરન્સી પણ મળી આવી છે. જેથી પોલીસે ફોનને FSLમાં મોકલી આપ્યો છે. નિરવ રાયચુરાને ત્રણેય કેસમાં હાલ તેને જામીન આપી દેવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં નિરવ સામે ED અને ITની તપાસ શરૂ થશે
આનંદનગરમાં રમાડા હોટલની સામે સફલ પ્રોફિટેરમાં આવેલી કોલસેન્ટર માફિયા નિરવ રાયચુરાની ઓફિસમાં પોલીસે દરોડો પાડતાં તેઓ વૈભવી લાઇફસ્ટાઇલ અને ઘર જોઈ ચોંકી ઉઠ્યા હતા. જેથી પોલીસે બેનામી મિલકત અને બેનામી પૈસાના વ્યવહાર હોવાને ધ્યાને લઈ ને IT અને ED વિભાગને જાણ કરતા તેઓએ પણ તપાસ કરવાની શરૂ કરી છે. પોલીસે તેઓને નિરવની પ્રાથમિક તમામ માહિતી ED અને IT આપી દીધી છે અને તેઓને મદદ પણ કરશે. આગામી દિવસોમાં નિરવ સામે ED અને ITની તપાસ શરૂ થશે.

કોલસેન્ટર કૌભાંડમાં મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતા
કોલસેન્ટરના માફિયા નિરવ રાયચુરાની સામે પોલીસ કડક તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં પોલીસ અનેક ખુલાસા કરે તેવી શકયતા લાગી રહી છે. પોલીસને ફોનમાંથી કોલસેન્ટર ડેટાની માહિતી મળી છે જેમાં મોટા માથાઓના નામ ખુલે તેવી શકયતા છે. અનેક બુકીઓ અને અધિકારીઓ પણ નિરવના સંપર્કમાં હોવાનું પણ પોલીસને આશંકા છે જેથી તે દિશામાં આગામી દિવસોમાં તપાસ થશે અને ED અને IT હવે નિરવના ઘર અને તેની સંપત્તિની તપાસ કરશે.

થિયેટર સાથેની સુવિધાઓ ધરાવતો બાર
ડીસીપી પ્રેમસુખ ડેલુએ ગ્રામ્ય એસપી વીરેન્દ્રસિંહને માહિતી આપી હતી કે ચાંગોદરમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં નીરવ રાયચુરાનું ઘર આવેલું છે. આની સૂચના આપતાં ચાંગોદર અને ગ્રામ્ય પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા પાડતાં ઘરેથી તેની પત્ની ફરાર થઇ ગઇ હતી. ઘરમાં પોલીસે પ્રવેશ કરતાં એક રૂમમાં જોતાં જ પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. રૂમમાં અદ્યતન દારૂ સાથેનો બાર મળી આવ્યો હતો. મોટા સોફા,એસી અને થિયેટર સાથેની સુવિધાઓ સાથેનો બાર હતો.

પોલીસને 1 લિટરની અન્ય દેશોની દારૂની બોટલો મળી આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાંગોદરમાં નીરવના ઘરે દરોડો પાડતાં દારૂનો બાર મળી આવ્યો હતો, જેમાં મોંઘી દારૂની બોટલો મળી આવી હતી. આ સંબંધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિદેશની બ્રાન્ડની બોટલ ઈમ્પોર્ટ કરવી અને ઘરમાં બાર રાખવો ગુનો હોવાથી એ અંગેની પણ કલમો પણ લગાવવામાં આવી છે. ચાંગોદર પોલીસે ફરિયાદમાં નીરવ રાચયુરા અને તેની પત્ની ક્રિષ્ના રાયચુરાને આરોપી દર્શાવ્યાં છે. ફરાર થઈ ગયેલી ક્રિષ્નાને પકડવા માટે પોલીસે ટીમો બનાવી છે.

નીરવને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે
નીરવે બંગલામાં બનાવેલા બારમાંથી તેમજ ઓફિસમાંથી જે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, તે બધી જ વિદેશથી મંગાવવામાં આવી હતી. જોકે નીરવ પાસે દારૂની પરમિટ ન હોવાથી પોલીસે તેની વિરુદ્ધ વિદેશથી આવેલા દારૂની ખરીદ-વેચાણની એટલે કે પ્રોહિબિશનની કલમ (68)ક લગાવી છે, જેમાં 10 વર્ષની સજા થઇ શકે છે. આ ઉપરાંત નીરવ સાથે પકડાયેલા સંતોષ ભરવાડે ભાવનગરમાં 3 ખૂન કર્યા છે. હાલ સંતોષ પેરોલ પર છૂટ્યો હોવાની પોલીસને આશંકા છે.