Home Video ‘બાબા કા ઢાબા’ ફૅમ 80 વર્ષીય યુગલનું જીવન તો બદલાયું પણ ‘બંગલો...

‘બાબા કા ઢાબા’ ફૅમ 80 વર્ષીય યુગલનું જીવન તો બદલાયું પણ ‘બંગલો ને કરોડોની રોકડ’ મળી હોવાની વાત ખોટી

9
0

દિલ્હીના માલવીય નગરમાં 80 વર્ષીય વૃદ્ધ યુગલ ‘બાબા કા ઢાબા’ ચલાવતું હતું પરંતુ લૉકડાઉન અને ત્યારબાદની પરિસ્થિતિને કારણે યુગલ આર્થિક તંગીનો સામનો કરતો હતું. ત્યારબાદ આ યુગલનો એક વીડિયો વાઈરલ થયો હતો અને ત્યારબાદથી ‘બાબા કા ઢાબા’ પર લોકોની ભીડ જોવા મળે છે. હવે આ યુગલને માત્ર લોકો જ મદદ નથી કરી રહ્યા પરંતુ પેટીએમ, ઝોમેટોથી લઈ પેપ્સી સહિતની જાણીતી બ્રાન્ડ્સ સ્પોન્સર કરે છે.

અચાનક જ ચર્ચામાં આવ્યા
યુગલ અચાનક ચર્ચામાં આવ્યું હતું. જોકે, એકાએક ચર્ચામાં આવતા બ્રાન્ડ પણ એકબીજા સાથે ખેંચતાણ કરવા લાગી છે. વાઈરલ વીડિયોના પાંચેક દિવસ બાદ એક બ્રાન્ડ સવારે પોતાનું પોસ્ટર લગાવે છે તો બીજી બ્રાન્ડ બપોર સુધીમાં તે પોસ્ટર હટાવીને પોતાનું પોસ્ટર લગાવી દે છે. હાલમાં જ વેબ પોર્ટલ ધ પ્રિન્ટે ‘બાબા કા ઢાબા’ની મુલાકાત લીધી હતી. પોર્ટલમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, 12 ઓક્ટોબરના રોજ કાંતા પ્રસાદ પોતાના બે દીકરાઓ સાથે સ્ટોલ પર ભોજન પીરસી રહ્યા હતા, મેનૂમાં મટર પનીરનું શાક, દાળ, ભાત તથા રોટલી હતી. ભીડ વધુ માત્રામાં હોવાથી કાંતા પ્રસાદ ચાર કિલો પનીર તથા ચાર કિલો વટાણા વધુ મગાવ્યાં હતાં.

રોજ સવારે ત્રણ વાગે જાગી જાય છે
ધ પ્રિન્ટ સાથેની વાતચીતમાં બદામી દેવીએ કહ્યું હતું, ‘હું રોજ સવારે ત્રણ વાગે ઊઠી જાઉં છું અને છ વાગ્યા સુધીમાં ઘરના તમામ કામો પૂરા કરું છું. પછી અમે બંને ઓટોમાં ઢાબા પર આવી જઈએ છીએ. સાંજના છ સુધી કામ કરીએ છીએ. જ્યારથી લૉકડાઉન થયું ત્યારથી અમે બંને ગ્રાહકોની રાહ જોતા અને પછી ઘરે જતા રહેતા. દિવસના 60 રૂપિયા તો માત્ર ભાડામાં જ જતા રહેતા. સાંજે વધેલું ભોજન સાથે જ લઈ જતા હતા. ઘરનું કરિયાણું પણ પૂરું થવા આવ્યું હતું.’

1960માં દિલ્હી આવ્યા
કાતાં પ્રસાદે કહ્યું હતું, ‘1960માં હું ઉત્તર પ્રદેશના આઝમગઢથી દિલ્હી આવ્યો હતો. શરૂઆતમાં હું શાહદરા રહેતો હતો. આને યુમાન પાર પણ કહેવામાં આવે છે. પછી 1988માં માલવીય નગરની ઝૂંપડપટ્ટીમાં આવીને રહેવા લાગ્યો. શરૂઆતમાં ફળોની લારી ચલાવતો હતો. ત્યારબાદ 1990માં લાઈસન્સ મળી ગયું તો ‘બાબા કા ઢાબા’ શરૂ કર્યું હતું.’

ત્રણ વર્ષની ઉંમરમાં લગ્ન
બદામી દેવીએ કહ્યું હતું, ‘અમારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર ત્રણ વર્ષની હતી અને કાંતા પ્રસાદ પાંચ વર્ષના હતા. યુવાન થઈ ત્યારે આણું થયું હતું. સાસરે આવ્યાનાં થોડાં દિવસ બાદ જ અમે દિલ્હી આવી ગયા હતા. મને વિશ્વાસ હતો કે કાંતા પ્રસાદ અને હું કંઈક ને કંઈક જુગાડ કરી જ લઈશું. જ્યારે ‘બાબા કા ઢાબા’ શરૂ કર્યું તો હું શાક સમારતી અને કાંતા પ્રસાદ શાક બનાવતા હતા.’

લોકપ્રિય થયા બાદ પણ આ ફરિયાદ
જોકે, કાંતા પ્રસાદ તથા બદામી દેવી આ રીતે અચાનક મળેલા પ્રેમથી અભિભૂત છે, પરંતુ તેમની એક ફરિયાદ પણ છે. તેમણે નારજગીભર્યા સ્વરમાં ફરિયાદ કરતા કહ્યું હતું, ‘દેશમાં અમારા જેવા લાખો પ્રવાસી મજૂરો છે, પરંતુ તેમની તરફ કોઈ ધ્યાન આપતું નથી.’

બે રૂમનું મકાન
કાંતાપ્રસાદ તથા બદામી દેવી તેમના બંને દીકરા સાથે જગદંબા કેમ્પની ઝૂંપડપટ્ટીમાં આવેલા બે રૂમના ઘરમાં રહે છે. જોકે, કાંતા પ્રસાદ આ બે રૂમના મકાનને બંગલો જ કહે છે. તેમણે કહ્યું હતું, ‘બે રૂમના ઘરમાં 10 લોકો રહે છે, જેમાં અમે બે, બે દીકરાઓ, બે વહુ, એક દીકરી તથા જમાઈ તથા પાંચ પૌત્ર-પૌત્રી-દોહિત્ર છે. આ બે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, જમવાનું તથા કામ કરવાનું હોય છે. બાળકો પણ અહીંયા જ બેસીને ભણતા હોય છે. વચ્ચે મને કોઈકે એવું કહ્યું હતું કે સલમાન ખાને મને બંગલો આપ્યો છે. વળી વચ્ચે એવી પણ અફવા ઉડી હતી કે મને બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જોકે, લોકોએ પૈસા આપ્યા છે પરંતુ તે કરોડોમાં તો નથી.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here