Home Gujarati AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે...

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

79
0

રાજ્યમાં હવે કોરોના વાઇરસના કેસો હજારો અને લાખોની સંખ્યામાં થવાની શક્યતા ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વ્યક્ત કરી છે. ત્યારે પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં તમે આવ્યા હતા કે કેમ તેની જાણકારી લોકોને મળે અને પોતે સામેથી ક્વોરન્ટીન અને ટેસ્ટ પણ કરાવે તે માટે નામો જાહેર કર્યા હતા. જો કે મોટા ઉપાડે નામો આપ્યા બાદ અચાનક મ્યુનિસિપલ કમિશનર નહેરાએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી નામ આપીશું. જ્યારે નામ જાહેર કરવાનો નિર્ણય લીધો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો મહત્વનો નિર્ણય કહી અને પ્રેસનોટ જાહેર કરી દીધી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનરનો અતિ મહત્વનો નિર્ણય તેવું લખવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની સૂચના કે પરામર્શ કરી નિર્ણય લેવાયો છે એવું કોઈ જ ઉલ્લેખ ન હતો. ત્યારે હવે નામ જાહેર કરવા રાજ્ય સરકારને પૂછવાની શું આવશ્યકતા લાગી તેના પર સવાલ ઊભો થયો છે. હવે પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવા રાજ્ય સરકાર સાથે કોઈ ચર્ચા કરી અને નિર્ણય લીધો કે પછી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાતે નિર્ણય લીધો હતો તે સ્પષ્ટ કરાયું નથી.

મીડિયા સામે મૂંગા રહી સોશિયલ મીડિયામાં જ વાહવાહી લૂંટે છે
ઉપરાંત કોર્પોરેશન તંત્રની કામગીરી હવે માત્ર સોશિયલ મીડિયા પર જે લોકો છે તેમના સુધી જ પહોંચે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. જે માહિતી આપવી હોય અને લોકો સુધી પહોંચાડી વાહવાહી અને ગુડ વર્ક લેવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેવામાં આવે છે. સાચી માહિતી મીડિયા સુધી પહોંચાડવામાં આવતી નથી. કોઈપણ માહિતી મીડિયા માંગે છે છતાં તેઓને આપવામાં આવતી નથી. માત્ર સોશિયલ મીડિયામાં સારી કામગીરી કરવામાં આવે છે તેવો દેખાડો કરવામાં આવે છે. જ્યારે મીડિયા પૂછે છે તો જવાબ પણ આપી શકતા નથી.

ગરીબોને ખાવાના ફાંફા
લોકડાઉનમાં કોર્પોરેશન દ્વારા ગરીબ, રોડ પર રહેલા લોકો, મજૂરો, શ્રમિકો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જમવાનું પહોંચાડવામાં આવતું હતું. છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ વિસ્તારમાં રામોલ, વટવા જીઆઇડીસી, ઓઢવ જેવા વિસ્તારમાં ગરીબો હવે ભૂખ્યા મરી રહ્યા છે. તેમની પાસે જેટલું અનાજ કરીયાણું હતું એ પણ ખૂટી ગયું છે. કોર્પોરેશન દ્વારા સેવાભાવી સંસ્થાઓ જે જમવાનું બનાવે છે તેના રસોડા પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. જેના કારણે પણ હવે સેવાભાવી સંસ્થાઓની મદદ પણ બંધ થઈ ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


AMC Commissioner announces first names of Corona positive patients and now discusses with government and calls for decision