Home Video અ’વાદઃ દારુના ધંધા માટે રોજના 15,000 રૂપિયા આપીને મંજૂરી લીધી, વિડીયો વાયરલ

અ’વાદઃ દારુના ધંધા માટે રોજના 15,000 રૂપિયા આપીને મંજૂરી લીધી, વિડીયો વાયરલ

117
0

દારુના ધંધા માટે પોલીસ પાસે મંજૂરી લીધી હોવાનો દાવો કરતો બૂટલેગરનો વિડીયો થયો વાયરલ.

અમદાવાદઃ દારુબંધી ધરાવતા ગુજરાતમાં દારુના ધંધા સામે લાલ આંખ કરવામાં આવે છે આમ છતાં વહીવટી તંત્રની છત્રછાયા નીચે દારુના વેપાર ધમધમતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. આ રીતે શહેરકોટડા વિસ્તારમાં દેશી દારુના ધંધો રહેમરાહે ચાલતો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેની સાથે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. બુટલેગર આ વિડીયામાં દારુના ધંધાની મંજૂરી લઈને રુપિયાનો વહીવટ કર્યાના આક્ષેપ કરે છે બીજી તરફ પોલીસ દ્વારા આ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં બુટલેગર સામે વિડીયો મામલે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી શકે છે.

મળતી વિગતો પ્રમાણે શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં રુપિયા લઈને દેશી દારુનો ધંધો શરુ કરાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં રોહન નામનો બુટલેગર પોલીસ પર આક્ષેપ કરતા જણાવે છે કે, હું શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારુનો ધંધો કરું છું. વહીવટીદાર પાસેથી મેં દારુ વેચવા માટેની મંજૂરી લીધી છે. રોજના 15,000 રુપિયા નક્કી કર્યા હતા અને 28 સપ્ટેમ્બર સુધી રોજના રુપિયા 15,000 મુજબ મેં તેમને રુપિયા આપ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મચારીનો ફોન આવ્યો હતો કે, 10 દિવસના પૈસા એડવાન્સમાં જમા કરાવવા પડશે, જેથી મારું ઘર ગીરવે મૂકીને 1 લાખ રુપિયા આપ્યા હતા.

આ બુટલેગર આગળ જણાવે છે કે, રુપિયા લીધા પછી વહીવટીદારો દ્વારા ધંધો બંધ કરાવી દીધો હતો. આગળ આ બુટલેગર કહે છે કે મારા કરતા વધુ દારુનો સપ્લાય કરતો બુટલેગર મળ્યા પછી મારો ધંધો બંધ કરાયો છે. બુટલેગર રોહને પોતાના 1.50 લાખ રુપિયા પાછા પણ માગ્યા છે.

બીજી તરફ પોલીસ સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ સૂત્રોએ જણાવ્યું કે રોહન સામે તાજેતરમાં બે કેસ કરવામાં આવ્યા છે અને તેની સામે પાસાની તૈયારી છે માટે તેણે પોલીસ સામે ખોટા આક્ષેપો કર્યા છે. સાથે જ જે પોલીસકર્મચારીઓના નામ લેવામાં આવ્યા છે તેમનું શહેરકોટડા વિસ્તારમાં સારું નેટવર્ક હોવાથી ડિટેક્શનમાં મદદ મળતી હોવાથી તેમના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ બુટલેગર સામે ખોટો વિડીયો વાયરલ કરીને પોલીસને બદનામ કરવાના ગુનામાં કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.