Home Gujarati લોકડાઉનમાં લોકો નિસહાય બન્યા, કહ્યું: સવારનું ભોજન રાત્રે જમીને દિવસો પસાર કરીએ...

લોકડાઉનમાં લોકો નિસહાય બન્યા, કહ્યું: સવારનું ભોજન રાત્રે જમીને દિવસો પસાર કરીએ છીએ, બહાર નીકળીએ તો પોલીસ ઢોર માર મારે છે

94
0


વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા લોકોને કોઇ સહાય ન પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સ્થાનિક રહીશોએ વેદના ઠાલવતા કહ્યું કે, અમે 22 માર્ચથી સવારનું બનાવેલું ભોજન રાત્રે જમીને દિવસ પસાર કરી રહ્યા છે. જો અમે ઘરની બહાર નીકળીએ તો પોલીસ મારે છે. કોઇ ઢોરને મારતું હોય તેને દયા આવી જાય. પરંતુ, પોલીસને માણસને મારતા કોઇ દયા રાખતા નથી. અમારી હાલત ખરાબ થઇ ગઇ છે. અમોને બે ટાઇમ જમવા મળે તે માટે સહાય કરો.
સવારનું રાંધેલુ રાત્રે ખાવુ પડે છે
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જ્યારથી વડોદરા લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારથી પોલીસ તંત્ર સહિત સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા જમવા સહિતની સહાય વિવિધ વિસ્તારોમાં પૂરી પાડી રહ્યું છે. પરંતુ વડોદરા શહેરના કિશનવાડીમાં આવેલા વુડાના મકાનોમાં રહેતા લોકો કહે છે કે, અમે 22 માર્ચથી સવારે રાંધેલું જમવાનું રાત્રે જમીને દિવસો પસાર કરી રહ્યા છે.
ધંધો બંધ થઇ જતા ઘરમાં રૂપિયા ખાલી થઇ ગયા છે
સ્થાનિક રહીશે જણાવ્યું કે, 22 માર્ચથી અમે ઘરમાં બેઠા છીએ. મારો ચાની ગરણી વેચવાનો વ્યવસાય છે. એક દિવસ વેચવા નીકળ્યો હતો. માત્ર રૂપિયા 20 લઇને ઘરે આવ્યો હતો. જેટલી રોકડ રકમ ઘરમાં હતી તે ખતમ થઇ ગઇ છે. દિવસ પસાર કરવા મુશ્કેલ થઇ ગયા છે. ઘરમાં નાના બાળકો છે. સવારે બનાવેલી રસોઇ રાત્રે ખાઇને દિવસો પસાર કરી રહ્યા છે. અમારે કોઇ આર્થિક મદદ જોઇતી નથી. અમોને માત્ર બે ટાઇમ જમવાનું મળે તેટલી મદદ કરો. અમે ઘરની બહાર નીકળીએ તો પોલીસ મારે છે. એક સમયે લોકો ઢોરને મારતા દયા કરે. પણ પોલીસ માણસને મારવામાં કોઇ દયા કરતી નથી. અમારી હાલત ખરાબ થઇ ગઇ છે.
ઘરમાં અનાજ કરિયાણું પુરૂ થઇ ગયું છે
સ્થાનિક એક મહિલાએ જણાવ્યું કે, હું લોકોના ઘરમાં વાસણ-કપડા ધોઇને પરિવારનું ગુજરાન ચલાવું છું. પરંતુ લોકડાઉન બાદ કામ કરવા જઇ શકી નથી. દિવસે દિવસે અમારી પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. ઘરમાં અનાજ કરિયાણું પુરૂ થઇ ગયું છે. અમને સહાયની જરૂર છે. ઘરમાં નાના બાળકો છે. અમે ઘરના મોટા વ્યક્તિ થોડું કાઇને બાળકોનું પેટ ભરાવી રહ્યા છે. 22 માર્ચથી અમે આજદિન સુધી કેવી રીતે દિવસો પસાર કર્યાં તે અમારું મન જાણે છે.
કિશનવાડી વુડાના મકાનોમાં સહાય પહોંચવી જોઇએ
નોંધનીય છે કે, કોરોના વાઈરસના કારણે લોકડાઉન હોવાથી સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ સ્થિતિ એવી સર્જાઇ છે. કેટલાક વિસ્તારોમાં એકથી વધુ વખત સહાય પહોંચી રહી છે, જ્યારે કિશનવાડીના વુડાના મકાનો જેવા વિસ્તારોમાં હજી સુધી કોઇ સહાય ન મળતા લોકોની હાલત દયનીય બની ગઇ છે. ત્યારે તંત્ર અને સામાજિક સંસ્થાઓ પણ કિશનવાડી વુડાના મકાનોમાં સહાય માટે પહોંચે તે જરૂરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આક્રોશ વ્યક્ત કરી રહેલી મહિલાઓ