Home Gujarati મહિલા પર અત્યાચાર:નોકરીમાંથી છૂટી કરવી, પતિ દ્વારા મારઝૂડ, રોડ સાઇડથી રોમિયોની ધમકી,...

મહિલા પર અત્યાચાર:નોકરીમાંથી છૂટી કરવી, પતિ દ્વારા મારઝૂડ, રોડ સાઇડથી રોમિયોની ધમકી, ગુજરાતમાં મહિને 10 હજાર મહિલાઓ મદદ માંગે છે

15
0

  • અભયમ હેલ્પલાઇન 181 પર મહિલાઓ દ્વારા નોંધાવવામાં આવતી ફરિયાદો લોકડાઉનમાં વધી
  • સરેરાશ મહિનામાં 10 હજારની આસપાસ મહિલાઓ આ હેલ્પલાઇન પર કોલ કરી રહી છે

રાજ્યમાં માર્ચ મહિનાથી સતત ચાલી રહેલી કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનને પગલે ઘરેલુ હિંસાના કેસો સામાન્ય દિવસો કરતાં વધુ 50 ટકા નોંધાયા છે. મહિલાઓ માટે ખાસ અભયમ હેલ્પલાઈન 181 પર મહિલાઓ દ્વારા નોંધાવવામાં આવતી ફરિયાદોની સંખ્યામાં સતત વધારો થયો છે. કોરોનાકાળ દરમિયાન 6 મહિનામાં 26,698 કોલ ઘરેલુ હિંસા સહિતના આવ્યા છે. લોકડાઉનને પગલે કેટલીક કંપનીઓ દ્વારા મહિલાઓને નોકરીમાંથી કાઢી મૂકવી તેમજ પગાર પણ ન આપવા જેવી ફરિયાદો તેમણે નોંધાવી હતી. એપ્રિલ-સપ્ટેમ્બર મહિનામાં 150થી વધુ કોલ્સ નોકરી બાબતના આવ્યા છે. હાલમાં ગુજરાતભરમાં 47 જેટલી રેસ્ક્યૂ વાન મહિલાઓની મદદ માટે 24×7 કાર્યરત છે.

લોકડાઉનમાં કોલ વધ્યા, દરરોજ 300થી વધુ ફોન આવે છે: અધિકારી
લોકડાઉનને પગલે આમ તો સમગ્ર વિશ્વ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ આમાં સૌથી વધુ નુકસાન મહિલોને થયું છે. ઘરેલુ હિંસા, નોકરી સહિતની અનેક મુશ્કેલીઓ મહિલાઓને વેઠવી પડી છે. મહિલા અત્યાચારના મામલે રાજ્યભરમાંથી સૌથી વધુ કોલ અમદાવાદમાંથી આવ્યા હોવાનું જાણવા મળે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલાઓની સમસ્યાને લખતાં દરરોજના 300થી વધુ કોલ આવી રહ્યા છે. મહિને એવરેજ 10 હજારની આસપાસ કોલ અગલ-અલગ શહેરોમાંથી મહિલાઓ આ હેલ્પલાઇન પર કરી રહી છે, જેમાં સૌથી વધુ ફરિયાદો ઘરેલુ હિંસાને લગતી જોવા મળી રહી છે. આવા કેસમાં મહિલા હેલ્પલાઇન દ્વારા પોલીસની પણ મદદ લેવામાં આવે છે અને મહિલાઓની સમસ્યાનો અંત આવે એવા પ્રયાસો કરાય છે.

ઓફિસમાં હેરાનગતિ, રોમિયા સહિતની ફરિયાદ યુવતીઓ દ્વારા નોંધાવાઈ
પરિણીત મહિલાઓની સાથે અપરિણીત યુવતીઓના પણ કોલ્સ આ હેલ્પલાઈનમાં નોંધાય છે. એકતરફી પ્રેમમાં પાગલ રોમિયો દ્વારા ફોન પર વારંવાર પરેશાન તેમજ ધમકીઓ મળતી હોવાની ફરિયાદો પણ યુવતીઓ નોંધાવે છે. આ ઉપરાંત છેડતી, ઓફિસમાં હેરાનગતિ, રોમિયા દ્વારા પીછો કરવો સહિતના કોલ પણ આવતા હોય છે. હેલ્પલાઇન નંબર પર આવતા કોલમાં તાત્કાલિક ધોરણે એક્શન લેવાય છે, સાથે જ કોલ્સ મળતાં જ પોલીસ સમયસર પગલાં ભરી આ પ્રકારના રોમિયોની ધરપકડ કરી લેતી હોય છે.

મદદ માગતી મહિલાની ઓળખ છતી ન થાય એનું ખાસ ધ્યાન રખાય છે
છેલ્લાં 5 વર્ષમાં જ 6,78,797 કરતાં વધુ મહિલાઓએ આ હેલ્પલાઈન થકી જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન મેળવ્યાં છે. અભયમ રેસ્ક્યૂવાન સાથે જતા કાઉન્સિલરોએ અત્યારસુધીમાં 1,35,271 મહિલાને મદદ પૂરી પાડી છે, જ્યારે 83,346 જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાન કરાવવામાં આવ્યું છે. કેટલાક કેસોમાં 41,231 જેટલી મહિલાઓને લાંબા સમયના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી છે. હેલ્પલાઈન પર ફોન કરી મદદ માગતી મહિલાની ઓળખ છતી ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખીને તેમને મદદ કરવામાં આવતી હોય છે. સરકારે લોન્ચ કરેલી એપ્લિકેશન 90 હજાર કરતાં વધુ મહિલાઓના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ છે.

181 હેલ્પલાઇનને શરૂઆતથી અત્યારસુધીમાં 17,45,351 કોલ્સ મળ્યા
અભયમ હેલ્પલાઈન 181ની શરૂઆત 4 ફેબ્રુઆરી 2014થી કરવામાં આવી હતી અને તા 8 માર્ચ, 2015ના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એનું વિસ્તરણ કરાયું હતું. હેલ્પલાઈન શરૂ થયા પછી અત્યારસુધીમાં કુલ 17,45,351 કોલ્સ આવ્યા છે. ગૃહ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સૌથી વધારે 2017-18માં હેલ્પલાઈનને 1.35 લાખ, 2018-19માં 1.74 લાખ અને 2019-20માં 1.60 લાખ જેટલી ફરિયાદો મળી છે. આંકડા જોતાં સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં વિવિધ ગુનાઓ સામે મહિલાઓ અને યુવતીઓ હેલ્પલાઇનનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી રહી છે. મોટા ભાગના કિસ્સા પારિવારિક ત્રાસ આપવાના, દહેજ અને છેડતીના જોવા મળ્યા છે. રાજ્યમાં મહિલાઓ જે ફરિયાદ નોંધાવે છે તેની તપાસ કરવા માટે રાજ્યના પોલીસ વિભાગને વાહન અને સ્ટાફનો ખર્ચ પણ થાય છે. સરકારે આ ત્રણ વર્ષમાં અનુક્રમે 2.03 કરોડ, 2.94 કરોડ અને 2.15 કરોડનો ખર્ચ કર્યો છે. અભયમ હેલ્પલાઇનના માધ્યમથી ગુનેગારોને પણ પકડવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here