Home Gujarati પેન્ડિંગ કેસ વધે નહીં અને વકીલોને આજીવિકા મળે તે માટે હવે વીડિયો...

પેન્ડિંગ કેસ વધે નહીં અને વકીલોને આજીવિકા મળે તે માટે હવે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે

6
0

રાજ્યની હાઇકોર્ટે વકીલોને રાહત આપવા માટે તમામ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે રાજ્યની તમામ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ રૂમ ઊભા કરવાનો આદેશ આપ્યો છે. તમામ કોર્ટમાં 2 વીડિયો કોન્ફરન્સિંગ રૂમ ઊભા કરવા હાઇકોર્ટે જણાવ્યું છે. દરેક વકીલોએ સુનાવણી દરમિયાન કોર્ટમાં સામાજિક અંતર રાખવાના નિયમનું કડકપણે પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

પેન્ડિંગ કેસમાં વધારો ન થાય તે માટે નિર્ણય લીધો
ઉલ્લેખનીય છે કે, પેન્ડિંગ કેસમાં વધારો ના થાય તે માટે હાઇકોર્ટે આ નિર્ણય લીધો છે. તો બીજી તરફ કોરોના વાઇરસને કારણે વકીલોને કામ ન મળવાથી તેમની હાલત કફોડી બની છે. ત્યારે ઓનલાઇન કેસની સુનાવણી આપવાના નિર્ણયથી વકીલોને આજીવિકા મળી રહેશે અને બીજી તરફ કોર્ટમાં પણ કેસનું ભારણ ઘટશે.

કોર્ટમાં બે કોન્ફરન્સિંગ રૂમ બનાવાશે
જે વકીલો પાસે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરવાની સુવિધા નથી. તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે હાઇકોર્ટ પરિપત્ર બહાર પાડ્યો છે કે, જે વકીલો પાસે વીડિયો કોન્ફરન્સિંગથી કેસની સુનાવણી કરવાની કોઈ સુવિધા નથી. તેમના માટે કોર્ટ બિલ્ડિંગમાં બે રૂમમાં વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. જેથી તેઓ તેમની અરજી અંગેની રજૂઆત કરી શકશે. આ માટે કોઇ ટેકનિકલ મદદની જરૂર હશે તો હાઇકોર્ટ દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. જેથી વીડિયો કોન્ફરન્સિંગથી વધુ ને વધુ અરજીઓ પર સુનાવણી થઇ શકશે. દરેક વકીલોએ સોશિયલ ડિસ્ટનસનું કડકપણે પાલન કરવાનું રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

એડમિશન પ્રકિયા બંધ કરવા હાઇકોર્ટની રાજ્ય સરકારને નોટિસ
તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે યુજીસી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પરીક્ષા ન લેવા અને એડમિશનની પ્રકિયા રોકી દેવા માટે નોટિસ ફટકારી છે. એક અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં દેશની તમામ યુનિવર્સિટીમાં એડમિશનની પ્રકિયા રોકી દેવામાં આવે તેવી અરજી કરી હતી. તેટલું જ નહીં અરજદારે અરજીમાં એમ પણ કહ્યું છે કે હાલ પૂરતી દેશની તમામ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ પણ લેવામાં આવે નહીં. અરજદાર જણાવે છે કે, અત્યારે કોરોનાના સંકટમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી યોગ્ય નથી. વધુમાં અરજદારે આક્ષેપ કરતા કહ્યું છે કે, યુજીસીની એપ્રિલની માર્ગદર્શિકાના આધારે યુનિવર્સિટીઓએ જે કાર્યવાહી શરૂ કરી છે. તે કેન્દ્રીય ગૃહ વિભાગના દિશાનિર્દેશથી વિપરીત છે. ત્યારે હાઇકોર્ટ આ મામલે આગામી 6 જુલાઈએ વધુ સુનાવણી કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગુજરાત હાઇકોર્ટ – ફાઇલ તસવીર