Home Gujarati ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો છત્રી લઇને આવ્યા રજૂઆત કરવા

ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો છત્રી લઇને આવ્યા રજૂઆત કરવા

5
0

સરકાર દ્વારા અપાતી ઢોર દીઠ સબસિડી જુન અને જુલાઇ મહિના સુધી અપાય તેવી માગ સાથે અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના નેજા હેઠળ જિલ્લાની ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોએ સામાજિક અંતર જાળવવા છત્રી સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પાઠવી અનોખી પહેલ કરી હતી.

કચ્છની મોટાભાગની ગૌશાળાઓ, પાંજરાપોળોમાં દાતાઓ તરફથી મળતા દાનની રકમમાંથી જ ઢોરનો કરાય છે. કોરોના મહામારીના પગલે બે મહિના સુધી ઉદ્યોગ-ધંધા બંધ હોઇ દાતાઓ તરફથી દાન મળવું મુશ્કેલ છે, તેવામાં જિલ્લાની 177 ગૌશાળા, પાંજરાપોળોમાં 1.25 લાખ ઢોરનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ઢોર દીઠ અપાતી સબસિડી રૂ.25 જૂન અને જુલાઇ મહિનામાં પણ આપવામાં આવે તેવી માગ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઉઠી છે.ગુજરાતમાં સૌથી વધુ પાંજરાપોળ અને ગૌશાળા કચ્છમાં છે, જે તમામ દાનની રકમ પર જ આધારિત છે.

ભૂખમરાથી ભાંભરતા પશુઓને બચાવવા માટે એકમાત્ર ઉપાય સરકાર દ્વારા ઢોર દીઠ અપાતી સબસિડી છે, જે આગામી જુલાઇ મહિના સુધી નહીં અપાય તો સ્થિતિ કાબૂ બહાર નીકળી જશે અને સબસિડી થકી જ ત્રણ મહિનાથી ઉચાળા ભરતા પશુઓને હેમખેમ ઉગારી શકાયા છે તેવામાં જો હજુ બે મહિના સુધી સબસિડી નહીં અપાય તો મહામૂલો પશુધન મોતના મુખમાં ધકેલાશે. જેથી જુન અને જુલાઇ મહિનામાં પણ સબસિડી અપાય તે માટે કચ્છ કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જિલ્લાની ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોએ છત્રી સાથે આવેદન પાઠવ્યું હોવાનું અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ પ્રમુખ ભરત સોંદરવાએ જણાવ્યું હતું.

મે માસની સબસિડીનું કરાતું ચુકવણું
અગાઉ સરકારે માત્ર એપ્રિલ મહિના સુધી જ સબસિડી આપવાની જાહેરાત કરી હતી, જેથી જે-તે વખતે જિલ્લાની પાંજરાપોળ, ગૌશાળાઓના સંચાલકોએ જુલાઇ સુધી સબસિડી આપવાની માગ કરી હતી પરંતુ સરકારે માત્ર મે મહિના સુધી સબસિડીની મુદત લંબાવી હતી. હાલે મે મહિનાની સબસિડી પેટે અમુક પાંજરાપોળ, ગૌશાળાઓને રકમ ચુકવાઇ ગઇ છે અને બાકી છે તેમને પણ ચુકવણું કરવામાં આવી રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પાંજરાપોળના સંચાલકો આવી રીતે છત્રી લઇને કલેક્ટર કચેરીએ આવ્યા હતા, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે.