Home Gujarati કોવિડ-19માં ફરજ બજાવી 45 કિમી દૂર ઘરે પહોંચેલી માતાને દીકરીની સરપ્રાઈઝ ગિફ્ટ:...

કોવિડ-19માં ફરજ બજાવી 45 કિમી દૂર ઘરે પહોંચેલી માતાને દીકરીની સરપ્રાઈઝ ગિફ્ટ: આરતી ઉતારી કેક કાપી કહ્યું હેપ્પી બર્થ ડે મમ્મા

5
0

નવસારીમાં એક 6 વર્ષની દીકરીએ કોવિડ-19 માં ફરજ બજાવી પરત ફરેલી નાઇન્ટિંગલ સ્વરૂપ નર્સ માતાની એપાર્ટમેન્ટના ગેટ પર જ આરતી ઉતારી માતાના જન્મ દિવસને અનોખો બનાવી દીધો હતો. એટલું જ નહીં પણ આખા ઘરને શણગારનાર દીકરીએ પીગી બેંકના રૂપિયામાંથી લાવેલી કેક માતા પાસે કપાવી જન્મ દિવસને ઉત્સવ દિવસમાં ફેરવી નાખ્યો હતો. પરિચારિકા ધારાબેન 13 વર્ષથી સુરત સિવિલ હોસ્પિટલના કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને 12 દિવસ સુધી કોવિડ-19માં સેવા એ જ કર્તવ્ય સમાન ફરજ બજાવી 45 કિલોમીટર દૂર ઘરે પહોંચ્યા હતા. દીકરીના સરપ્રાઈઝ આયોજનને ધારાબેને જીવનની સૌથી મોટી અને પહેલી અનોખી ગિફ્ટ ગણાવી હતી.

કોવિડ-19ના બીજા રાઉન્ડમાં નોકરી કરી 12માં દિવસે ઘરે પહોંચ્યા

ધારા અરવિંદભાઈ પટેલ (ઉ.વ. 38, રહે. રામેશ્વર એપાર્ટમેન્ટ નવસારી સિવિલ હોસ્પિટલ સામે નવસારી) એ જણાવ્યું હતું કે, 19 મે 2020 જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. સુરત સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના બીજા રાઉન્ડમાં નોકરી કરી 12માં દિવસે 45 કિલોમીટર દૂર દીકરી અને માતા પાસે ઘરે પહોંચી હતી. જ્યાં મારી 6 વર્ષની દીકરી ઝરણા માતાને આવતા જોઈ ખુશીથી જુમી ઉઠી હતી. પહેલા માળે ઘરની બારીમાંથી ઝરણાએ જોરથી બૂમ પાડી મમ્મા નીચે જ ઉભા રહો હું આવું છું કહી મને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. ગણતરીની સેકન્ડોમાં મે ઝરણાને હાથમાં આરતીની થાળી લઈ મારી તરફ આવતા જોઈને આંખ ઉભરાઈ ગઈ હતી. એટલું જ નહીં આરતી ઉતારી માતાને વેલકમ કરનાર માસૂમ દીકરીએ હેપ્પી બર્થ ડે મમ્મા કહેતા આંખમાંથી ખુશીના આંસુ ટપકવા લાગ્યા હતા. એક સાથે બે-બે સરપ્રાઈઝ આપી દીકરીએ તો મને તમામ દુઃખ દર્દ ભુલાવી દીધા હતા.

6 વર્ષની દીકરી સાથે વીડિયો કોલથી વાત થતી હતી

ધારાએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના મહામારીના શરૂઆતમાં 3 વીકસુધી તેઓ નવસારીથી સુરત મોપેડ પર સવાર થઈ અપડાઉન કરતા હતા. ત્યારબાદ લોકડાઉન સાથે કેસ વધતા કોવિડ-19માં ફરજ સોંપાતા તેઓ ઘરેથી દૂર સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાટર્સમાં રહેતા હતા. જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓની સેવાને જ કર્તવ્ય ગણી નાઇન્ટિંગલની વ્યાખ્યાને સિદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો બીજી બાજુ ઘરમાં દાદી સાથે રાહ જોતી 6 વર્ષની દીકરી ઝરણા સાથે રોજ વીડિયો કોલિંગથી વાત કરી માતાની ફરજ પુરી કરતી હતી. હાલ મારી માસૂમ દીકરી ઝરણા ને મારી મમ્મી અને એની દાદી હાલ કેર ટેકર તરીકેની જવાબદારી નિભાવી રહી છે. કોવિડ-19ના બીજા રાઉન્ડમાં સતત કામગીરીને લઈ માસૂમ દીકરી માતાની હૂંફ થી દુર રહેતી હતી. રોજ રાત્રે ફોન કરીને ઝરણા કહેતી મમ્મી ક્યારે આવશે ઘરે બસ ત્યારે આંખ કુદરતી ઝરણાની જેમ વહેતી થઈ જતી હતી.

મારા જીવનની અમૂલ્ય ગિફ્ટ આપીયઃ નર્સ માતા

ધારાએ વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારના રોજ સવાર પાળીમાં નોકરી કરી હું ઝરણાને યાદ કરતી કરતી મોપેડ પર સવાર થઈ નવસારી મારા ઘરે પહોંચી હતી. એપાર્ટમેન્ટના ગેટ પર ઝરણાએ માસૂમતામાં કરેલું આયોજન અને ‘હેપ્પી બર્થ ડે મમ્મા’ દીકરીના મોઢે જન્મ દિવસની શુભકામના સાંભળ્યા બાદ ખબર પડી કે આજે મારો જન્મ દિવસ છે. સોસાયટીવાસીઓની શુભેચ્છાઓની વર્ષા વચ્ચે દીકરી ઝરણા મને હાથ પકડીને ઘરે લઈ ગઈ હતી. દરવાજો ખોલતા જ આખું ઘર શરણગારેલી હાલતમાં હતું. ટેબલ પર કેક પડેલી હતી બસ ઝરણા તરત બોલી મમ્મી પહેલા કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરીશું પછી જ તારે ફ્રેસ થવા જવાનું છે. ખૂબ આનંદ થયો, જીવનમાં આવો ઉત્સાહનો દિવસ પણ આવશે એ ખબર નહોતી, પણ મારી દીકરીને એની નાની એટલે મારી માતા (પૂર્વ નર્સિંગ સ્ટાફ, સુરત સિવિલ હોસ્પિટલ) એ આજના મારા જન્મ દિવસને ઉત્સવ દિવસ બનાવી મારા જીવનની અમૂલ્ય ગિફ્ટ આપી હતી. હું બન્નેની ખુબખુબ આભારી છું અને રહીશ. આજે મારી માતા હયાત છે તો મારી દીકરીને સંસ્કાર અને જવાબદારીના પાઠ ભણાવી રહી છે નહીંતર આજે મારા માટે નર્સિંગ સ્ટાફ હોવા છતાં આ માહામારીના સમયમાં કામ કરવું ખૂબ જ અઘરું બન્યું હોત.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દીકરીએ પીગી બેંકના રૂપિયામાંથી લાવેલી કેક માતા પાસે કપાવી જન્મ દિવસને ઉત્સવ દિવસમાં ફેરવી નાખ્યો