Home Gujarati કુડાસણમાં બહેનના મોતના બીજા દિવસે ભાઈનું પણ મૃત્યુ, અન્ય એક વૃદ્ધાનું દહેગામના...

કુડાસણમાં બહેનના મોતના બીજા દિવસે ભાઈનું પણ મૃત્યુ, અન્ય એક વૃદ્ધાનું દહેગામના નાંદોલ ગામે મોત

5
0

ગાંધીનગરમાં કોરોના કાળ બન્યો છે. સોમવારે કુડાસણમાં વૃદ્ધાના મૃત્યુ બાદ આજે તેના પ્રૌઢ ભાઇનું મોત થયું છે. બીજી બાજુ દહેગામ તાલુકાના નાંદોલ ગામે પણ વૃદ્ધાનું મોત થયું છે. આ ઉપરાંત નવા 9 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. તેમાં પાટનગરમાં 4 દર્દીમાં સેક્ટર 3 એમાં વડીલ દંપતી સંક્રમિત થયું છે. જ્યારે સેક્ટર 21 અને સેક્ટર 6માં 1-1 યુવાન ચેપગ્રસ્ત બન્યા છે.
ગ્રામ્યમાં કલોલ શહેરમાં મહેન્દ્ર મીલની ચાલીમાં વૃદ્ધા તથા શ્રીફળ સોસાયટીમાં પ્રૌઢને કોરોના લાગ્યો છે. જ્યારે આજોલ ગામે યુવાન અને તેની સગર્ભા પત્ની સપડાયા છે. બહિયલ આરોગ્ય કેન્દ્રનો હેલ્થ વર્કર પણ સંક્રમિત થયો છે. જે કેસ તલોદમાં ગણાવાની શક્યતા છે.
કુડાસણમાં 59 વર્ષિય બહેનના મોતના બીજા દિવસે ભાઈનું પણ મૃત્યુ
ન્યૂ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં શિવકુટીરમાં રહેતા 59 વર્ષિય વૃદ્ધાનું સોમવારે કોરોનાથી મૃત્યુ થયા બાદ મંગળવારે તેમના 57 વર્ષિય ભાઇનું મોત થયું હતું. નિવૃત બેંક કર્મચારી એવા પ્રૌઢ 20 દિવસ પહેલા સંક્રમિત થયા હતાં અને ત્યાર બાદ તેમના પત્ની માતા અને બહેન ત્રણે એક જ દિવસે પોઝિટિવ બનયા હતાં. મૃત્યુને ભેટેલા પ્રૌઢને બચાવવા 30 હજારનું ખાસ દવાનું ઇન્જેકશન અપાયુ હતું. પરંતુ તે ઉપાય પણ કારગત રહ્યો ન હતો. બીજા બનાવમાં દહેગામ તાલુકાના નાંદોલ ગામે રહેતા 85 વર્ષિય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારમાં 4 સભ્યો સંક્રમિત થયા હતાં. ગાંધીનગર હોસ્પિટલમાં તેમની તબિયત બગડી હતી અને શ્વાસ લેવાની સમસ્યા બાદ રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં અન્ય લોકોમાં આ બીમારી અંગે ભારે હાઉ જોવા મળી રહ્યો છે.
પાટનગરમાં 4 દર્દી અમદાવાદના સંપર્કથી કોરોના ચેપગ્રસ્ત બન્યા
સેક્ટર 3 એમાં રહેતા 65 વર્ષિય વૃદ્ધ અને તેમના 60 વર્ષિય પત્ની ચેપગ્રસ્ત થયાં છે. એકલા રહેતા હોવાથી થોડા દિવસ પહેલા તેના અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા જમાઇ મળવા આવ્યા હતાં. પરંતુ ત્યાર બાદ જમાઇ પોઝિટિવ જાહેર થયાં હતાં. તેમના સાથે આવેલા અન્ય 3 સભ્યોને ક્વોરન્ટાઇન કરાયા છે. સેક્ટર 21માં સરકારી આવાસમાં રહેતા અને અમદાવાદ કોર્પોરેશનમાં કોરોના અંતર્ગત કામગીરી કરી રહેલા 27 વર્ષિય યુવાન પોઝિટિવ થતાં તેના પત્નીને ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે સેક્ટર 6 બીમાં રહેતા એન્જીનિયર એવા 33 વર્ષિય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના પિતાને હેમરેજ થયું હોવાથી 10 દિવસથી એસ જી હાઇવે પરની હોસ્પિટલમાં દાખલ હોય ત્યાં રહેતા હતાં. પરિવારના 7 સભ્યોને ક્વોરન્ટાઇન કરાયા છે.
આજોલ ગામમાં સગર્ભા અને તેના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં રહેતા અને સોમવારે જ આજોલ ગામે પિતાના ઘરે આવેલા 24 વર્ષિય યુવાન અને તેની 21 વર્ષિય સગર્ભા પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા છે. તેઓ અમદાવાદમાં જ સંક્રમિત થયા હતાં. તેના પરિવારના 2 સહિત કુલ 19 વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે દહેગામના બહિયલ ગામે આરોગ્ય કેન્દ્રનો 32 વર્ષિય કર્મચારી ચેપગ્રસ્ત બન્યો છે. જે તલોદથી અપડાઉન કરતો હતો. આ સાથે પાટનગરમાં 1 અને ગ્રામ્યમાં 9 સહિત કુલ કોરોના મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. જ્યારે દર્દીની સંખ્યા 178 પર પહોંચી જતા હાલ આ જિલ્લામા સતત જે રીતે કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા તેને અંકુશમા લેવા માટેના વિવિધ ઉપાયો અંગે આયોજન હાથ ધરવામા આવી રહ્યુ છે.
કલોલમાં બુટલેગરની બહેન સંક્રમિત બીજા કેસથી સોસાયટી જ ક્વોરન્ટાઇન
કલોલમાં મહેન્દ્ર મિલની ચાલીમાં રહેતા 60 વર્ષિય વૃદ્ધા પોઝિટિવ થયા છે. તેનો ભાઇ શેરથાથી દેશી દારૂ લાવીને વેચતો હોવાનું ખુલ્યુ છે. શેરથાના સંપર્કથી ચેપ લાગ્યાની શક્યતા દર્શાવાઇ છે અને પરિવારના 7 સહિત 60 લોકોને ક્વોરન્ટાઇન કરાશે. જ્યારે શ્રીફળ સોસાયટીમાં 53 વર્ષના પ્રૌઢ પોઝિટિવ થયાં છે. તેઓ દુધ, કરિયાણુ, શાકભાજી લેવા બહાર નીકળતા હતાં. તેમના ઘરની આખી સોસાયટીને ક્વોરન્ટાઇનની સ્થિતિ આવી છે. ક્વોરન્ટાઇનનો આંકડો 90 પર પહોંચે તેમ છે. કલોલમાં થોડા દિવસો બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામા એકાએક વધારો થતા શહેરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી હતી. જોકે હવે તેમા રાહત મળી છે તેમ છતા શહેરમા હવે આવા દર્દીઓની સંખ્યામા વધારો ન થાય તેની સતત તકેદારી રાખવામા આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.